Home Sports Suryakumar Yadav Visits Adalajs Vav After Becoming T20 World Champion

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ અડાલજ વાવની મુલાકાતે! : વિશ્વ વિજેતા સૂર્યાનું અડાલજમાં ભવ્ય સ્વાગત

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ અડાલજ વાવની મુલાકાતે!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 12:51 PM IST

T20 World Cup : ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. T20 વર્લ્ડ કપ 2026 માં ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડીને ભારત સતત બીજીવાર વિશ્વ વિજેતા બન્યું છે. આ ભવ્ય જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે અમદાવાદ નજીક આવેલી ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ખાસ ફોટોશૂટ કરાવશે.

અડાલજની વાવમાં ઉત્સાહનો માહોલ

ગાંધીનગર સ્થિત અડાલજની વાવ આજે ક્રિકેટ પ્રેમીઓથી ઉભરાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૂર્યાની એક ઝલક મેળવવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આખું પરિસર ‘ઇન્ડિયા... ઇન્ડિયા’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

વિદેશી મહેમાનો પણ મુલાકાતે

માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં, પણ ન્યૂઝીલેન્ડની ટીમ સાથે આવેલા કેટલાક વિદેશી મહેમાનો પણ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા છે. તેમણે અડાલજની વાવની અદભૂત કોતરણી અને તેની સ્થાપત્યકલા વિશે જાણીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ભારતીય વારસાને નજીકથી જોવાની તેમની ઉત્સુકતા ઉડીને આંખે વળગતી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કેપ્ટન સૂર્યકુમાર યાદવના આગમનને પગલે તંત્ર દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને ચાહકોની ભીડને નિયંત્રિત કરી શકાય અને ફોટોશૂટની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

અમદાવાદમાં જીતનો ખાસ અહેસાસ

વિશ્વ વિજેતા બન્યા બાદ સૂર્યકુમારે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ‘આ ક્ષણને સમજવામાં થોડો સમય લાગશે. ખૂબ જ ખુશી થઈ રહી છે, કારણ કે આ એક લાંબી સફર રહી છે. 2024 પછી BCCI અને તે સમયના સેક્રેટરી જય શાહે મારા પર વિશ્વાસ મૂક્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રોફી જીતવી એ એક ખાસ અહેસાસ છે.’

ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન

નોંધનીય છે કે, 2023 ના ODI વર્લ્ડ કપની ફાઇનલ પહેલા પણ કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અડાલજની વાવમાં ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવવા આવ્યા હતા. આજે ફરી એકવાર વિશ્વ વિજેતા ટ્રોફી આ ઐતિહાસિક વાવના આંગણે પહોંચતા જૂની યાદો તાજી થઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now