સુરેન્દ્રનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નર્મદા કેનાલમાં યોગ્ય સફાઈ કર્યા વિના જ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે શહેરની અંદાજે 3 લાખથી વધુ વસ્તીના આરોગ્ય પર જોખમ ઊભું થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને ઢાંકી પંપિંગ સ્ટેશનથી ધોળીધજા ડેમ સુધીના વિસ્તારમાં કેનાલ રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સફાઈ કામગીરી સંતોષકારક રીતે ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કેનાલમાં અનેક સ્થળોએ માટી, ગંદકી, પ્લાસ્ટિકનો કચરો તેમજ મૃત પશુઓના અવશેષો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પાણી સીધું ધોળીધજા ડેમમાં ઠાલવવામાં આવતું હોવાના કારણે પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. નાગરિકોનું માનવું છે કે જો સમયસર સફાઈ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આરોગ્ય સંકટ ઊભું થઈ શકે છે.
કરોડોનો ખર્ચ છતાં પરિણામ સવાલોમાં
નર્મદા કેનાલના સમારકામ અને જાળવણી માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે. જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે વાસ્તવિક કામગીરી કાગળો પૂરતી જ મર્યાદિત રહી છે. કેનાલમાં ભરાયેલા કચરા અને ગંદકીના દૃશ્યો જોઈને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો રિપેરિંગ અને જાળવણી પાછળ આટલો મોટો ખર્ચ થયો હોય તો કેનાલની હાલત આવી કેમ? કેટલાક સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર એજન્સીઓને ફાયદો પહોંચાડવા માટે માત્ર ઔપચારિક કામગીરી કરવામાં આવી છે, જ્યારે મૂળભૂત સફાઈ અને પાણીની ગુણવત્તા જાળવવાના મુદ્દાઓની અવગણના કરવામાં આવી છે. આક્ષેપો વચ્ચે જવાબદાર તંત્રની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
આ પણ વાંચો: ઓવરસ્પીડિંગનો કહેર : અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર કેનાલમાં ખાબકી, બે યુવકો ઘાયલ
રોગચાળાની ભીતિ વચ્ચે ચિંતામાં વધારો
શહેરના નાગરિકોમાં સૌથી મોટી ચિંતા આરોગ્યને લઈને છે. સ્થાનિકોનું કહેવું છે કે ગંદકીયુક્ત પાણી ડેમમાં પહોંચશે તો તેની સીધી અસર પીવાના પાણી પર પડશે. પરિણામે કોલેરા, ટાઈફોઈડ, ડાયરીયા સહિતના પાણીજન્ય રોગો ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય નહીં.
નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના વિવિધ શહેરોમાં પાણીજન્ય રોગચાળાના બનાવો સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ તેવી જ સ્થિતિ સર્જાવાની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાના આક્ષેપ
સ્થાનિકો દ્વારા વધુ એક ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાના કેટલાક ફિલ્ટર પ્લાન્ટ પણ હાલ કાર્યરત નથી અથવા પૂરતી ક્ષમતાથી કાર્ય કરી રહ્યા નથી. જો ફિલ્ટરિંગ વ્યવસ્થા નબળી હોય અને બીજી તરફ ગંદકીયુક્ત પાણી ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું હોય તો સામાન્ય નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી કેવી રીતે મળશે તે મોટો પ્રશ્ન બની ગયો છે.
શહેરના રહેવાસીઓનું કહેવું છે કે ફિલ્ટર વિના અથવા પ્રદૂષિત પાણી પીવાની ફરજ પડશે તો આરોગ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કેટલાક લોકોએ તો અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સર્જાયેલી પાણીજન્ય આરોગ્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરીને તંત્રને સમયસર જાગવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: નવસારીમાં સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતા અમદાવાદથી ઝડપાયો : POCSO હેઠળ ગુનો નોંધાયો
તાત્કાલિક પગલાંની માંગ
સ્થાનિક નાગરિકો, સામાજિક આગેવાનો અને વિવિધ સંગઠનોએ માંગ કરી છે કે ધોળીધજા ડેમમાં પાણી છોડતા પહેલાં નર્મદા કેનાલની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે. મૃત પશુઓના અવશેષો, કચરો અને માટી દૂર કરીને જ શુદ્ધ પાણી ડેમ સુધી પહોંચાડવામાં આવે.
સાથે જ પાણીની ગુણવત્તાની સ્વતંત્ર તપાસ કરાવી તેના અહેવાલો જાહેર કરવામાં આવે અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદાર અધિકારીઓ તથા સંબંધિત એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. હાલ સમગ્ર મામલે તંત્ર શું પગલાં ભરે છે અને શહેરની 3 લાખથી વધુ વસ્તીને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.






