Surat Accident: સુરતના ઉદ્યોગ નગર ગણાતા હજીરા વિસ્તારને જોડતા મગદલા-હજીરા બ્રિજ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક 60 વર્ષીય વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિજ પરથી પસાર થઈ રહેલા વૃદ્ધને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. હિટ એન્ડ રનની આ ઘટના બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
મૃતકની ઓળખ અને અકસ્માતની વિગત
અકસ્માતનો ભોગ બનનાર મૃતકની ઓળખ 60 વર્ષીય બચુભાઈ વસૈયા તરીકે થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, બચુભાઈ જ્યારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બચુભાઈ રોડ પર ફંગોળાયા હતા અને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
પોલીસ કાફલો ઘટનાસ્થળે: તપાસનો ધમધમાટ
ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક મગદલા-હજીરા બ્રિજ પર પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખીને મૃતદેહનો કબજો લીધો હતો. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહનચાલકને પકડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. હજીરા વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે, ત્યારે આ અકસ્માત કયા વાહન દ્વારા થયો છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી
પોલીસે પંચનામું કર્યા બાદ બચુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. બીજી તરફ, આ દુઃખદ સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોમાં આક્રંદ મચી ગયો છે. મગદલા અને હજીરાને જોડતા આ મહત્વના બ્રિજ પર અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં રોષની સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
અકસ્માત અંગે સ્થાનિકે જણાવેલી વિગતો
સ્થાનિક વ્યક્તિ હિતેશ મોરા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, અકસ્માત ગઈકાલે રાત્રે એસ.કે.નગર બ્રિજથી લઈને અડાજણ રોડ ઉપર આવેલા સર્વિસ રોડ પર, હનુમાન પરિવાર વાટિકા પાસે બન્યો હતો. આ ઘટના ગઈકાલે રાત્રે અંદાજે 9:00 થી 9:30 વાગ્યાની આસપાસ બની હતી. મૃતક બચુભાઈ વસૈયા (હિતેશભાઈના વડીલ કાકા) જેઓ ત્યાં નર્સરીમાં મજૂરી કામ કરતા હતા. રાત્રે 9 વાગ્યે તેઓ જ્યારે બહાર નીકળ્યા હતા, ત્યારે અચાનક પૂરઝડપે આવતી એક અજાણી ફોર વ્હીલ કારે તેમને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ 20 થી 30 મીટર દૂર ફંગોળાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનો પગ પણ ભાંગી ગયો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી હિતેશભાઈ અને સમાજના આગેવાનોની માંગ છે ,પોલીસ સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ફરાર ફોર વ્હીલ ચાલકની ધરપકડ કરે અને પરિવારને યોગ્ય વળતર મળે તેવી કાયદેસરની કાર્યવાહી કરે.





