સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત બનેલા વિસ્તારોમાં રાહત સહાયની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા જિલ્લા વહીવટીતંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત પરિવારોના નુકસાનનો તાત્કાલિક સર્વે પૂર્ણ થાય અને પાત્ર લાભાર્થીઓને સમયસર સરકારની રાહત સહાય મળી રહે તે માટે વધુ 65 નવી સર્વે ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.
વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ નવી ટીમોમાં રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુલ 338 અધિકારી-કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તમામને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો : ઈસુદાન ગઢવીની હાજરીમાં અનેક આગેવાનો AAPમાં જોડાયા
માનવહાનિથી લઈને ઘરવખરીના નુકસાન સુધીનો થશે સર્વે
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં પૂર અને ભારે વરસાદને કારણે થયેલી માનવ મૃત્યુ, ઇજાઓ, રહેણાંક મકાનોને થયેલા નુકસાન તેમજ ઘરવખરી અને અન્ય સ્થાવર-જંગમ મિલકતોને થયેલા નુકસાનનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે. આ સર્વેના આધારે રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ પાત્ર લાભાર્થીઓને કેશ ડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય રાહત પેકેજનો લાભ આપવામાં આવશે. વહીવટીતંત્રનું કહેવું છે કે સર્વે ઝડપથી પૂર્ણ થશે તો સહાયની પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ કરી શકાશે.
ઉધના અને મજુરા વિસ્તાર પર વિશેષ ધ્યાન
નવી રચાયેલી 65 ટીમોને મુખ્યત્વે સુરત શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત ઉધના અને મજુરા વિસ્તારોમાં કામગીરી સોંપવામાં આવી છે. જ્યાં પાણી ભરાવા અને ખાડીપૂરના કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લા તંત્રે જણાવ્યું છે કે જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓની પણ ફાળવણી કરવામાં આવશે જેથી કોઈપણ અસરગ્રસ્ત વિસ્તાર સર્વેમાંથી બાકી ન રહે.
આ પણ વાંચો: સુરતમાં 12 ફૂટના ભૂવામાં ફસાઈ BRTS બસ : તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો
અગાઉથી કાર્યરત ટીમો સાથે કામગીરીને મળશે વધુ વેગ
જિલ્લા કલેક્ટરના અગાઉના આદેશ મુજબ પહેલેથી જ 50થી વધુ સર્વે ટીમો કાર્યરત છે, જેમાં આશરે 250 અધિકારી-કર્મચારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્વેની કામગીરી કરી રહ્યા છે. હવે વધુ 65 ટીમો ઉમેરાતા સર્વેનું કામ વધુ ઝડપથી પૂર્ણ થઈ શકશે. વહીવટીતંત્રનો વિશ્વાસ છે કે વધારાની માનવશક્તિના કારણે રાહત સહાયની પ્રક્રિયા વધુ અસરકારક બનશે અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી વહેલી તકે સરકારની સહાય ઉપલબ્ધ કરાવી શકાશે. જિલ્લા તંત્રે અસરગ્રસ્ત નાગરિકોને સર્વે દરમિયાન અધિકારીઓને જરૂરી માહિતી અને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા તેમજ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ કરી છે.





