Home Gujarat Surat Surat Diamond Bourse In Important Decision Taken In Meeting To Start Offices Of Diamond Manufacturing Companies

સુરત ડાયમંડ બુર્સને લઈને મોટા સમાચાર : ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વહેલી તકે ઓફિસો શરૂ કરશે, લેવાયો ઐતિહાસિક નિર્ણય

Surat Diamond Burs
Published by: Viral Patel
Last Updated: Mar 28, 2026, 12:53 PM IST

Surat News: વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડિંગ 'સુરત ડાયમંડ બુર્સ' (SDB) ને ધમધમતું કરવા માટે મેનેજમેન્ટ અને ઉદ્યોગપતિઓ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય મીટીંગમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જે આગામી દિવસોમાં સુરતના હીરા ઉદ્યોગનું ચિત્ર બદલી નાખશે.

ઓફિસ અને ટ્રેડિંગ એક જ છત નીચે

મીટીંગનો મુખ્ય એજન્ડા SDBમાં વહેલી તકે કામકાજ શરૂ કરવાનો હતો. આ ચર્ચાના અંતે સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે કે તમામ અગ્રણી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પોતાની ઓફિસો હવે સુરત ડાયમંડ બુર્સ ખાતે જ શરૂ કરશે. કંપનીઓ પોતાનો હીરાનો તમામ સ્ટોક પણ અહીં જ ઉપલબ્ધ રાખશે. બ્રોકર્સ (દલાલો) દ્વારા થતી હીરાની ખરીદી અને વેચાણની તમામ પ્રક્રિયા હવે SDB પરિસરમાંથી જ સંચાલિત થશે.

સેફવોલ્ટ સુવિધાનો મહત્તમ ઉપયોગ

હીરા ઉદ્યોગમાં સુરક્ષા સૌથી મહત્વનું પાસું છે. સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉપલબ્ધ અદ્યતન સેફવોલ્ટ (તિજોરી) સુવિધાનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરર્સ હવે તેમનો કિંમતી માલ આ સુરક્ષિત વોલ્ટમાં સંગ્રહિત કરશે, જેનાથી ટ્રેડિંગ પ્રક્રિયા વધુ કેન્દ્રિત અને સુરક્ષિત બનશે. લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સમાં મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગની તમામ પ્રવૃત્તિઓને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી ઇન્ડસ્ટ્રીને મોટી સુવિધા મળશે અને સેફવોલ્ટ જેવી સુવિધાઓને કારણે સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.

આગામી મિટિંગ પર નજર

આ સફળ મીટીંગ બાદ હવે આગામી 31 માર્ચ, મંગળવારે સવારે 11.15 કલાકે વધુ એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગ ખાસ કરીને રફ ડાયમંડ ટ્રેડિંગ સાથે સંકળાયેલા વેપારીઓ માટે રાખવામાં આવી છે, જેમાં રફ સેક્ટરને બુર્સમાં લાવવા અંગે ચર્ચા થશે.

ઉદ્યોગ માટે નવો આશાવાદ

આ નિર્ણયથી સમગ્ર હીરા ઉદ્યોગમાં એક વિશ્વસનીય 'ટ્રેડિંગ ઇકોસિસ્ટમ' ઉભી થશે. મીટીંગમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ એક અવાજે આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેને ઝડપથી અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પગલાથી મુંબઈ પરની નિર્ભરતા ઘટશે અને સુરત વૈશ્વિક સ્તરે હીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતમાં ભાજપની દક્ષિણ ઝોન બેઠક
સુરત બહુચર્ચિત નકલી નોટ કૌભાંડ
Play Video
હવે થશે વરસાદ અને વાવાઝોડાની સચોટ આગાહી
સુરત એરપોર્ટ પર 'બોમ્બ'ની ધમકીથી હડકંપ
Play Video