Home Gujarat Surat Cyber Crime Crackdown Gang Involved In Fraud Worth Rs 19 Crore Caught From Rewa And Mirzapur Retired Railway Employees Victims

સુરત પોલીસનો સાયબર ક્રાઇમ આચરતી સૌથી મોટી ગેંગ પર સપાટો : નિવૃત રેલવે કર્મચારી બન્યા હતા શિકાર, ફ્રોડનો આંકડો વાંચી ચોંકી જશો

સુરત પોલીસનો સાયબર ક્રાઇમ આચરતી સૌથી મોટી ગેંગ પર સપાટો
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 10:03 AM IST

સુરત: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ટેકનોલોજીના માધ્યમથી છેતરપિંડી આચરતા ભેજાબાજો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં પશ્ચિમ રેલવેના એક નિવૃત મિકેનીકલ ફીટર સાથે થયેલી ₹8,12,500 ની છેતરપિંડીની ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ વૃદ્ધને તેમનું પેન્શન ચાલુ કરી આપવાના બહાને ડી.આર.એમ. (DRM) ઓફિસના નામે ફોન કરવામાં આવ્યા હતા. ઠગબાજોએ એક બનાવટી લિંક મોકલી તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

પોલીસની તપાસ દરમિયાન આ છેતરપિંડીના તાર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમે રીવા અને મિર્ઝાપુર ખાતે દરોડા પાડીને કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકી માત્ર પેન્શનના નામે જ નહીં, પરંતુ 'BetBook247.com' નામની વેબસાઈટ દ્વારા ઓનલાઈન સટ્ટાબાજીનું મોટું રેકેટ પણ ચલાવતી હતી અને ફ્રોડના પૈસાનો ઉપયોગ સટ્ટાના પેમેન્ટ સેટલ કરવા માટે કરતી હતી.

ઝડપાયેલા આરોપીઓ અને મુખ્ય સૂત્રધાર

પોલીસે આ કેસમાં મોહમદ ગુલફામ, અભિનવ પાંડે, સમીર, ધર્મરાજ વિશ્વકર્મા, આદિત્ય સહાની, આફતાબ, તૌફીક અલી, શાહનવાઝ અને પ્રાંશુ પાઠકની ધરપકડ કરી છે. જોકે, આ આખા કૌભાંડના મુખ્ય માસ્ટરમાઇન્ડ ચેતન અને શુભ ઉર્ફે બજરંગબલી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. મહત્વનું છે કે, પોલીસે જ્યારે આરોપીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા ત્યારે તેમને જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 27 સ્માર્ટફોન, 3 લેપટોપ, 51 ડેબિટ કાર્ડ, 13 સિમ કાર્ડ, 23 બેંક પાસબુક કબ્જે કરી છે.

19 કરોડનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ: 391 બેંક એકાઉન્ટ્સનો ખુલાસો

ડીસીપી બીશાખા જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે, 30 નવેમ્બર 2025ના રોજ એક રેલવે કર્મચારી રિટાયર્ડ થયા હતા. જેમને તેમના પ્રોવિડન્ટ ફ્ન્ડના પૈસા આવ્યા હતા. જે પૈસાની લૂંટ ચલાવવા તેમને એક કોલ આવ્યો હતો. જેમાં DRMના ઓફિસથી બોલતા હોવાનું કહી પેન્સન એક્ટિવેટ કરાવવાના નામે એક લિંક ઓપન કરી ઓટીપી આપવા જણાવ્યું હતું. 8 લાખ 12 હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જેને લઈને FIR નોંધાવતા ફરિયાદને આધારે પોલીસ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.તપાસ દરમિયાન આનો મુખ્ય આરોપી પ્રિયાંશું રિવામાં હોવાનું જાણવા મળેલ હતું. અને 8 લાખ 12 હજારમાંથી 3 લાખ 17 હજાર ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સુરતની ટીમ ત્યાં ગઈ જો કે, પ્રિયાંશું ત્યાંથી ભાગી ગયો હોવાથી પોલીસ તેને પકડવા માટે તેની પાછળ પાછળ મિર્ઝાપુર ગઈ હતી. જ્યાંથી પ્રિયાંશું યુપી આવી જતા પોલીસની ટીમે તેને યુપીમાં દબોચી લીધો હતો. તેની પૂછપરછ કરતા આ બધા પાછળ આખું એક રેકેટ ચાલતું હોવાનું મોટો ખુલાસો થયો હતો.

જેથી આખી ટીમ પાછી રીવા આવી અને લોકલ પોલીસના માધ્યમથી રેડ પાડી 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેની સાથે 27 ફોન, 3 લેપટોપ સાથે બેંક એકાઉન્ટના સિમકાર્ડ ડેબિટ કાર્ટ મળી આવ્યા હતા. આ ગેંગના નેટવર્કની તપાસ કરતા અત્યાર સુધીમાં 391 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. આ એકાઉન્ટ્સ દ્વારા અત્યાર સુધીમાં દેશભરમાં આશરે રૂ.19,24,47,888 નું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે લોકોનો ડેટા મેળવી તેમને ભ્રમિત કરી શિકાર બનાવતી હતી.

પોલીસ રિમાન્ડ અને આગળની કાર્યવાહી

સુરત પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશંકા છે કે રિમાન્ડ દરમિયાન હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે અને અન્ય કેટલાક મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now