Home Education/Career Supreme Court Passive Euthanasia Harish Rana Case Global Laws

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી : જાણો કયા દેશમાં છે ઈચ્છામૃત્યુ માટે સૌથી સરળ નિયમો

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 09:07 AM IST

ભારતના ન્યાયિક ઈતિહાસમાં બુધવાર 11 March 2026નો દિવસ અત્યંત સંવેદનશીલ સાબિત થયો છે. સુપ્રીમ કોર્ટે છેલ્લા 13 વર્ષથી પથારીવશ 31 વર્ષીય હરીશ રાણાના પરિવારને તેમનું લાઈફ સસ્ટેનિંગ ટ્રીટમેન્ટ પાછું ખેંચવાની અનુમતિ આપી દીધી છે. આ ચુકાદો માત્ર એક કેસનો અંત નથી, પરંતુ ગરિમાપૂર્ણ મૃત્યુના અધિકારની એક નવી વ્યાખ્યા છે. ભારત જેવા દેશમાં જ્યાં આ અંગે કડક નિયમો છે, ત્યાં વિશ્વમાં સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો પણ છે જ્યાં મૃત્યુની પસંદગી કરવી ઘણી સરળ માનવામાં આવે છે.

13 વર્ષની લાંબી પીડાનો અંત

પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂકેલા હરીશ રાણા વર્ષ 2013માં એક દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ચોથા માળેથી પડવાને કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેઓ 100 ટકા ક્વાડ્રીપ્લેજિક ડિસેબિલિટીનો શિકાર બન્યા હતા. છેલ્લા 13 વર્ષથી તેઓ પરમેનન્ટ વેજિટેટિવ સ્ટેટ એટલે કે ચેતનાશૂન્ય અવસ્થામાં હતા. તેમના પિતાએ લાંબી કાયદાકીય લડત બાદ કોર્ટ પાસે પુત્રને આ કષ્ટદાયક જીવનમાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી, જેને મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ માન્ય રાખવામાં આવી છે.

ભારતમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવશે?

ભારતમાં જે પદ્ધતિને મંજૂરી મળી છે તેને Passive Euthanasia કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં દર્દીને કોઈ ઝેરી ઈન્જેક્શન કે દવા આપીને સીધી રીતે મારવામાં આવતા નથી. તેના બદલે દર્દીને જીવંત રાખતા કૃત્રિમ સાધનો જેવા કે વેરિલેટર, ફીડિંગ ટ્યુબ અથવા લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવામાં આવે છે. વર્ષ 2018ના 'કોમન કોઝ' ચુકાદાના આધારે અદાલતનું માનવું છે કે જ્યારે દર્દીના સાજા થવાની કોઈ આશા ન હોય, ત્યારે તેને પરાણે મશીનોના સહારે જીવતો રાખવો એ તેના ગરિમાપૂર્ણ જીવનના અધિકારનું ઉલ્લંઘન છે.

સ્વિટ્ઝરલેન્ડ: ઈચ્છામૃત્યુ માટે વિશ્વનું સૌથી ઉદાર સરનામું

ઈચ્છામૃત્યુ અથવા Assisted Suicideના કિસ્સામાં સ્વિટ્ઝરલેન્ડ આખા વિશ્વમાં સૌથી નરમ કાયદા ધરાવતો દેશ છે. અહીંની ખાસિયત એ છે કે વ્યક્તિ અસાધ્ય રોગથી પીડાતી હોય તેવું અનિવાર્ય નથી. જો કોઈ વ્યક્તિ શારીરિક અક્ષમતા કે જીવનથી અત્યંત થાકી ગઈ હોય, તો તેને મૃત્યુની પરવાનગી મળી શકે છે. અહીં 'ડિગ્નિટાસ' જેવી સંસ્થાઓ વિદેશી નાગરિકોને પણ આ સુવિધા આપે છે, જેને કારણે ઘણીવાર તેને 'સુસાઈડ ટુરિઝમ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

સ્વિટ્ઝરલેન્ડમાં મૃત્યુની પ્રક્રિયા અને અન્ય દેશો

સ્વિટ્ઝરલેન્ડમાં એક્ટિવ યુથેનેશિયા ગેરકાયદેસર છે પરંતુ એસિસ્ટેડ સુસાઈડ કાયદેસર છે. અહીં નિયમ છે કે અંતિમ પગલું દર્દીએ પોતે જ ભરવાનું હોય છે. સંસ્થાઓ ઘાતક દવા ઉપલબ્ધ કરાવે છે પણ તેને પીવી કે નળીનો વાલ્વ ખોલવો એ દર્દીનું પોતાનું કામ હોય છે. બીજી તરફ નેધરલેન્ડ અને બેલ્જિયમમાં ડોક્ટર પોતે દર્દીને ઘાતક ઈન્જેક્શન આપી શકે છે, જોકે ત્યાંના નિયમો સ્વિટ્ઝરલેન્ડ કરતા વધુ કડક છે. કેનેડામાં પણ MAID કાયદા હેઠળ ઈચ્છામૃત્યુની જોગવાઈ છે, પરંતુ તે માત્ર ત્યાંના રહેવાસીઓ પૂરતી સીમિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now