Home Entertainment Sunidhi Chauhan Crying On Stage Lucknow Concert Voice Issue Viral Video Emotional Breakdown Live Show I Am Home India Tour

"મને માફ કરજો, અવાજ નથી નીકળી રહ્યો..." : સ્ટેજ પર પરફોર્મન્સ આપતા કેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી સુનિધિ ચૌહાણ? સિંગરને રડતી જોઈ હજારો ફેન્સે વધાર્યો ઉત્સાહ

"મને માફ કરજો, અવાજ નથી નીકળી રહ્યો..."
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 07:33 AM IST

Sunidhi Chauhan got emotional: બોલિવૂડની દિગ્ગજ સિંગર સુનિધિ ચૌહાણના લખનઉ કોન્સર્ટનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહ્યો છે. પોતાની પાવરફુલ ગાયકી અને સ્ટેજ પરની ઊર્જા માટે જાણીતી સુનિધિ લખનઉમાં આયોજિત લાઈવ શો દરમિયાન સ્ટેજ પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. સુનિધિ ચૌહાણ હાલમાં તેના 'આઈ એમ હોમ ઇન્ડિયા ટૂર 2025-2026' અંતર્ગત વિવિધ શહેરોમાં પરફોર્મન્સ આપી રહી છે, પરંતુ લખનઉમાં તેના અવાજે સાથ ન આપતા તે ભાવુક થઈ ગઈ હતી. ગળામાં ગંભીર ખરાશ અને તબિયત નાદુરસ્ત હોવા છતાં તે ચાહકો માટે સ્ટેજ પર તો આવી, પણ ધાર્યું પરફોર્મન્સ ન આપી શકતા તેની આંખો ભીની થઈ ગઈ હતી.

હજારોની સંખ્યામાં ઉમટેલા ચાહકો સામે સુનિધિએ અત્યંત નમ્રતા સાથે પોતાની લાચારી વ્યક્ત કરી હતી. ગાયિકાને રડતી જોઈને સ્ટેડિયમમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ તરત જ ચાહકોએ તેનો ઉત્સાહ વધારવા માટે જોરદાર ચીયરિંગ શરૂ કર્યું હતું. સુનિધિએ માઈક પર જ કબૂલ્યું હતું કે તે હંમેશા તેના શ્રોતાઓ માટે 100% આપવા માંગે છે, પરંતુ આજે શારીરિક તકલીફને કારણે તે લાચાર છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ જીતી લીધા છે અને લોકો સુનિધિની પ્રોફેશનલ નિષ્ઠાના વખાણ કરી રહ્યા છે.

'આજે મારો અવાજ સાથ નથી આપી રહ્યો': સુનિધિની દર્દભરી કબૂલાત

લખનઉના કૂલબ્રીઝ રિસોર્ટ્સમાં આયોજિત આ ઇવેન્ટમાં સુનિધિ બ્લેક બોડીસૂટમાં તૈયાર થઈને સ્ટેજ પર પહોંચી હતી. જોકે, ગીત ગાતી વખતે જ્યારે તેનો અવાજ બેસી ગયો ત્યારે તેણે ગાવાનું અટકાવી દીધું હતું. તેણે ભીની આંખે પ્રેક્ષકોને કહ્યું, "મારું ગળું બહુ ખરાબ છે અને આજે મારો અવાજ નથી નીકળી રહ્યો. મારી કારકિર્દીમાં મારી સાથે આવું પહેલા ક્યારેય નથી થયું, આ ખરેખર બહુ શરમજનક છે. મને બહુ ખેદ છે કે હું તમને શ્રેષ્ઠ પરફોર્મન્સ નથી આપી શકતી."

મુંબઈથી શરૂ થયેલ 'આઈ એમ હોમ' ટૂરનો લખનઉમાં વળાંક

સુનિધિ ચૌહાણનો આ મ્યુઝિકલ ટૂર 24 ડિસેમ્બર 2025ના રોજ મુંબઈથી ધમાકેદાર રીતે શરૂ થયો હતો. ત્યાર બાદ તેણે દિલ્હી, બેંગલુરુ, ચેન્નઈ અને આપણા અમદાવાદમાં પણ શાનદાર લાઈવ શો કરીને ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. લખનઉના ચાહકો આ સાંજ માટે ઘણા સમયથી રાહ જોતા હતા, પરંતુ સુનિધિની નાદુરસ્ત તબિયતે આ મ્યુઝિકલ સાંજને ગમગીન બનાવી દીધી હતી. જોકે, ચાહકોએ સુનિધિને સાથ આપીને સાબિત કર્યું કે તેઓ માત્ર તેના અવાજના જ નહીં પણ તેના વ્યક્તિત્વના પણ ચાહક છે.

બે દાયકાથી બોલિવૂડ પર રાજ કરે છે સુનિધિ

સુનિધિ ચૌહાણ છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ટોચના સ્થાને બિરાજમાન છે. 'શીલા કી જવાની', 'કમલી' અને 'બીડી જલાઈલે' જેવા આઈકોનિક ગીતો દ્વારા તેણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. અંગત જીવનની વાત કરીએ તો, સુનિધિએ 2012માં હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા હતા અને 2018માં તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. તેની ગાયકીમાં જે રફ અને પાવરફુલ ટેક્સચર છે, તે તેને અન્ય સિંગર્સ કરતા અલગ પાડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now