Home International Suicide Attack At Wedding In Pakistans Khyber Pakhtunkhwa 5 Lost His Life 10 Injured

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો : પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં આત્મઘાતી હુમલો, 5નાં મોત, 10 ઈજાગ્રસ્ત

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 10:44 AM IST

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા (KPK)માં ફરી એકવાર આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. શુક્રવારે (24 જાન્યુઆરી, 2026) રાત્રે ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં એક લગ્ન સમારોહ દરમિયાન થયેલા ભયાનક આત્મઘાતી વિસ્ફોટે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. જ્યારે મહેમાનો લગ્નની ખુશીમાં નાચી-ગાઈ રહ્યા હતા, ત્યારે જ એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, મકાનની છત ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ ઉભો થયો હતો.

ખુશીનો માહોલ પળભરમાં માતમમાં ફેરવાયો

ડેરા ઈસ્માઈલ ખાનના જિલ્લા પોલીસ અધિકારી સજ્જાદ અહેમદ સાહિબજાદાએ જણાવ્યું કે, આ હુમલો કુરૈશી મોર પાસે આવેલી શાંતિ સમિતિના વડા નૂર આલમ મહેસૂદના નિવાસસ્થાને થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલો તે સમયે થયો જ્યારે મહેમાનો પરંપરાગત સંગીત પર નૃત્ય કરી રહ્યા હતા. વિસ્ફોટ થતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી અને ખુશીની કિલકારીઓ મરણચીસોમાં ફેરવાઈ ગઈ હતી.

શાંતિ સમિતિના નેતા 'જિગરી મહેસૂદ'નું મોત

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હુમલાનું મુખ્ય લક્ષ્ય શાંતિ સમિતિના સભ્યો હતા. આ વિસ્ફોટમાં શાંતિ સમિતિના જાણીતા નેતા વહીદુલ્લા મહેસૂદ ઉર્ફે 'જિગરી મહેસૂદ'નું પણ મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. પાકિસ્તાનના આ વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો અવારનવાર આતંકવાદીઓના નિશાના પર રહે છે કારણ કે તેઓ સરકારને આતંકવાદ વિરોધી અભિયાનમાં મદદ કરે છે.

રેસ્ક્યુ ઓપરેશન અને હોસ્પિટલમાં ઈમરજન્સી

ખૈબર પખ્તુનખ્વા રેસ્ક્યુ 1122 ના પ્રવક્તા બિલાલ અહેમદ ફૈઝીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે મકાનની છત નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે ડિઝાસ્ટર રિલીફ વાહનો અને 7 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. જિલ્લા હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

KPK પ્રાંતમાં સતત વધતી હિંસા

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ આ હુમલાની સખત નિંદા કરી છે અને આઈજીપી પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં પણ બન્નુ જિલ્લામાં શાંતિ સમિતિના 4 સભ્યોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે નવેમ્બર 2025માં પણ સમાન હુમલામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાનમાં વધતો આતંકવાદ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કરી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now