Home Gujarat Subhash Bridge In Ahmedabad To Be Demolished

અમદાવાદમાંં સુભાષબ્રિજ તોડી પડાશે! : રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે: દેવાંગ દાણી

અમદાવાદમાંં સુભાષબ્રિજ તોડી પડાશે!
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 02:15 PM IST

Subhash Bridge : અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા મહત્વના સુભાષબ્રિજને તોડી પાડવાનો નિર્ણય લગભગ નિશ્ચિત થયો છે. સુભાષબ્રિજ અંગે કરાવવામાં આવેલા તમામ ટેકનિકલ અને સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવી ચૂક્યા છે અને તેમાં અલગ-અલગ નિષ્ણાત કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સ્પષ્ટ ભલામણ કરી હોવાનું સામે આવ્યું છે. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને સતત વધતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખતા રિપેરિંગ કરતાં બ્રિજને તોડી નવો બનાવવો જ સૌથી યોગ્ય વિકલ્પ હોવાનું તંત્ર માની રહ્યું છે.

સુભાષબ્રિજમાં તિરાડ પડી અને તપાસનો સિલસિલો

ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરના રોજ સુભાષબ્રિજમાં તિરાડ પડી હોવાની અને એક સ્પાનનો ભાગ બેસી જવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેની સંપૂર્ણ તપાસ શરૂ કરાવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવા તેમજ રિપેરિંગ અથવા વિકલ્પો સૂચવવા માટે નિમણૂક કરી હતી. આ સાથે IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે પણ બ્રિજનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે: દેવાંગ દાણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે સુભાષબ્રિજ અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે અને આગામી ત્રણ દિવસ બાદ બ્રિજ અંગે લેવાયેલા અંતિમ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. કન્સલ્ટન્ટ એજન્સીઓએ 23 ડિસેમ્બર, મંગળવારે તેમનો રિપોર્ટ AMCને સોંપ્યો હતો.

રિપોર્ટમાં ત્રણ મુખ્ય વિકલ્પો સૂચવવામાં આવ્યા

આ રિપોર્ટમાં ત્રણ મુખ્ય વિકલ્પો સૂચવવામાં આવ્યા છે. પહેલો વિકલ્પ સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો છે. બીજો વિકલ્પ બ્રિજના ક્ષતિગ્રસ્ત થયેલા સ્પાનની નીચે વધારાનો પિલર ઉભો કરીને તેને મજબૂત બનાવવાનો છે. જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું સમગ્ર સ્ટ્રક્ચર ઉતારી તેની જગ્યાએ સ્ટીલનું સ્ટ્રક્ચર ઉભું કરીને બ્રિજને ફરી શરૂ કરવાનો છે. જો કે નાગરિકોની સલામતી અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખી લાંબા ગાળાના આયોજન મુજબ જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનો વિકલ્પ સૌથી યોગ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તંત્રને સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો લાગે: સૂત્રો

સૂત્રોના જણાવ્યા મુજબ, કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવેલા ત્રણેય વિકલ્પોમાંથી તંત્રને સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો લાગ્યો છે. કારણ કે સુભાષબ્રિજ જૂની ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે, તેનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું છે અને તેની ડિઝાઇન હાલના ટ્રાફિકના ભારણને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં માત્ર રિપેરિંગ કરવાથી ભવિષ્યમાં જોખમ ઉભું થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now