Stock Market Closing Today: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન અનેક વખત બજારમાં તેજી અને મંદી વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી, જોકે અંતે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ સપાટ સ્તરે બંધ રહ્યા. બજારમાં IT સેક્ટરના શેરોએ સૌથી વધુ ચમક દાખવી, જ્યારે FMCG અને મેટલ સેક્ટરમાં વેચવાલીનું દબાણ રહ્યું. TCSના મજબૂત પ્રદર્શન બાદ સમગ્ર IT સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. તેના કારણે HCLTech, Tech Mahindra અને Infosys જેવા મોટા શેરોમાં પણ તેજી નોંધાઈ. બીજી તરફ ટાટા સ્ટીલ, નેસ્લે ઈન્ડિયા અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
TCS બન્યો દિવસનો સૌથી મોટો ગેઇનર
નિફ્ટી-50માં સૌથી વધુ તેજી TCSના શેરમાં જોવા મળી હતી, જે 5.37 ટકા ઉછળીને દિવસનો સૌથી મોટો ગેઇનર રહ્યો. તેના ઉપરાંત HCLTech, Tech Mahindra, Infosys અને Bajaj Autoના શેરોમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી.
બજાર નિષ્ણાતોનું માનવું છે કે IT કંપનીઓના સારા પરિણામો અને વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે રોકાણકારોએ IT શેરોમાં વિશ્વાસ દર્શાવ્યો.
આ શેરોમાં સૌથી વધુ ઘટાડો
જ્યાં એક તરફ IT શેરોમાં તેજી જોવા મળી હતી, ત્યાં બીજી તરફ મેટલ અને FMCG શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું. Tata Steel દિવસનો સૌથી મોટો લૂઝર રહ્યો અને તેના શેરમાં 2.16 ટકાનો ઘટાડો નોંધાયો. ઉપરાંત Nestle India, Grasim Industries, InterGlobe Aviation (IndiGo) અને Eternalના શેરોમાં પણ ઘટાડો નોંધાયો.
IT ઇન્ડેક્સમાં 3.5%નો ઉછાળો
સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી IT ઇન્ડેક્સ સૌથી વધુ 3.5 ટકા વધ્યો હતો. તેના પછી નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં 2 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 1 ટકાનો વધારો નોંધાયો. તે ઉપરાંત નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.41 ટકા, પ્રાઈવેટ બેન્ક ઇન્ડેક્સ 0.30 ટકા અને નિફ્ટી બેન્ક 0.20 ટકા વધીને બંધ રહ્યા.
FMCG અને મેટલ સેક્ટરમાં વેચવાલી
દિવસ દરમિયાન સૌથી વધુ નબળું પ્રદર્શન નિફ્ટી FMCG ઇન્ડેક્સનું રહ્યું, જેમાં 0.99 ટકાનો ઘટાડો નોંધાયો. તે ઉપરાંત નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.74 ટકા, નિફ્ટી ઈન્ફ્રા 0.53 ટકા અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 0.25 ટકા ઘટીને બંધ રહ્યા. ફાર્મા અને એનર્જી સેક્ટરના શેરોમાં પણ નરમાઈ જોવા મળી હતી.
મિડકેપ અને સ્મોલકેપ શેરો રહ્યા સ્થિર
મોટા શેરોમાં ભારે ઉતાર-ચઢાવ છતાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ સપાટ સ્તરે બંધ રહ્યા. બજારમાં રોકાણકારો કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક આર્થિક સંકેતો પર નજર રાખી રહ્યા છે.
રૂપિયો ડોલર સામે નબળો પડ્યો શેરબજાર સાથે ચલણ બજારમાં પણ નબળાઈ જોવા મળી હતી. ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 30 પૈસા ઘટીને 95.62 પ્રતિ ડોલર પર બંધ રહ્યો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 95.32 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. રૂપિયામાં થયેલા ઘટાડા પાછળ વૈશ્વિક કરન્સી બજારની હિલચાલ અને ડોલરની મજબૂતીને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: સોનું 34,000 અને ચાંદી ₹1.69 લાખ સુધી ઘટ્યા : ઓલ ટાઈમ હાઈથી ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો કારણ
Container Corporationમાં હળવી તેજી
Container Corporation of India (CONCOR)ના શેરમાં દિવસ દરમિયાન હળવો વધારો જોવા મળ્યો. કંપનીનો શેર 0.43 ટકા વધીને રૂ.466.25 પર બંધ રહ્યો. કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ કાર્ગો વોલ્યુમમાં 9 ટકાનો વધારો નોંધાવ્યો હોવાનું જાહેર કર્યું છે. દિવસ દરમિયાન શેરે ₹466.90ની ઊંચી સપાટી અને રૂ.456.45ની નીચી સપાટી સ્પર્શી હતી. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રોકાણકારોની નજર મુખ્યત્વે કંપનીઓના Q1 પરિણામો, વૈશ્વિક બજારોની દિશા, અમેરિકાના આર્થિક આંકડા અને વિદેશી રોકાણકારોના પ્રવાહ પર રહેશે. જો IT સેક્ટરના પરિણામો મજબૂત રહેશે તો બજારમાં ફરી તેજી જોવા મળી શકે છે, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.





