Home Entertainment Sonu Sood Is A Ray Of Hope For Travelers Stranded In Dubai Amid The Tensions Of War

‘મદદની જરૂર હોય તો મને DM કરો’ : યુદ્ધના તણાવ વચ્ચે દુબઈમાં ફસાયેલા મુસાફરો માટે Sonu Sood આશાનું કિરણ!

‘મદદની જરૂર હોય તો મને DM કરો’
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 09:29 AM IST

Sonu Sood : બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ, જેને કોવિડ-19 મહામારી અને પંજાબના પૂર દરમિયાન હજારો લોકોની મદદ કરીને 'રિયલ લાઈફ હીરો' તરીકે ઓળખ મેળવી છે, તે ફરી એકવાર લોકોની વહારે આવ્યા છે. આ વખતે સોનુ સૂદે પશ્ચિમ એશિયામાં US-ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે દુબઈમાં ફસાયેલા મુસાફરોની મદદ માટે હાથ લંબાવ્યો છે. ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે તેમણે રહેવાની મફત વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે.

દુબઈમાં મફત આશ્રયની ઓફર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો સંદેશ શેર કરતા સોનુ સૂદે જણાવ્યું કે, તેમની ટીમ એવા લોકો માટે રહેવાની વ્યવસ્થા કરી રહી છે જેઓ એરસ્પેસ બંધ થવાને કારણે દુબઈમાં ફસાઈ ગયા છે. તેમણે મુસાફરોને ખાતરી (Assurance) આપી છે કે, જ્યાં સુધી તેઓ પોતાના દેશમાં પરત ન ફરે ત્યાં સુધી તેમને રહેવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

કોઈ શરત નહીં, ફક્ત માનવતા

સોનુ સૂદે પોતાના મેસેજમાં સ્પષ્ટ કર્યું છે કે, આ મદદ માટે કોઈ જ્ઞાતિ, જાતિ કે રાષ્ટ્રીયતાના બંધન નથી. તેમણે લખ્યું, "યુદ્ધના કારણે ઘણા મુસાફરો દુબઈમાં ફસાયા છે. જો તમને અથવા તમારા કોઈ ઓળખીતાને રહેવા માટે જગ્યાની જરૂર હોય, તો અમે મફત આશ્રય આપી રહ્યા છીએ. અહીં કોઈ શરતો નથી, ફક્ત માનવતા છે." તેમણે જરૂરિયાતમંદોને ઇન્સ્ટાગ્રામ પર સીધો મેસેજ (DM) કરવા વિનંતી કરી છે.

સોનુ સૂદનો મુસાફરોને ખાસ સંદેશ

શેર કરેલા વીડિયોમાં અભિનેતાએ કહ્યું, "જે લોકો આપણા ભારતીયો છે અથવા અન્ય કોઈ પણ દેશના લોકો અત્યારે દુબઈમાં ફસાયેલા છે, મહેરબાની કરીને મને ઇન્સ્ટાગ્રામ પર DM કરો. અમે ખાતરી કરીશું કે, જ્યાં સુધી તમે સુરક્ષિત રીતે ઘરે ન પહોંચો ત્યાં સુધી તમને રહેવા માટે મફત સુવિધા મળે." સોનુના આ નિવેદને વિદેશમાં ફસાયેલા લોકોમાં આશા જગાવી છે.

સોશિયલ મીડિયા પર પ્રશંસાની લહેર

સોનુ સૂદની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે વાહવાહી થઈ રહી છે. એક યુઝરે લખ્યું, "તમે પડદાના નહીં પણ અસલી જિંદગીના હીરો છો." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે મુશ્કેલ સમયમાં સોનુ સૂદ જેવા લોકો માનવતામાં વિશ્વાસ જાળવી રાખે છે. લોકો સોનુની આ નિઃસ્વાર્થ સેવાને બિરદાવી રહ્યા છે.

સેલિબ્રિટીઝ પણ મુશ્કેલીમાં મુકાયા હતા

નોંધનીય છે કે, દુબઈમાં ફ્લાઇટના વિક્ષેપને કારણે માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ ઈશા ગુપ્તા અને સોનલ ચૌહાણ જેવી બોલિવૂડ અભિનેત્રીઓ પણ ફસાઈ ગઈ હતી. જોકે, આ બંને અભિનેત્રીઓ હવે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. સોનુ સૂદની આ પહેલથી હવે એવા લોકોને મોટી રાહત મળશે જેઓ આર્થિક કે અન્ય કારણોસર વિદેશમાં અટવાઈ પડ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now