Sonam Wangchuk Hunger Strike: પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની ભૂખ હડતાળ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે. NEET પેપર લીક વિવાદ બાદ શિક્ષણ પ્રણાલીમાં જવાબદારી નક્કી કરવા અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે શરૂ કરાયેલું તેમનું અનશન ગુરુવારે 19મા દિવસે પ્રવેશ્યું છે. સતત ઘટતી શારીરિક તાકાત છતાં વાંગચુકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમનો સંઘર્ષ હજુ સમાપ્ત થવાનો નથી અને તેઓ કોઈ ચોક્કસ પરિણામ મળ્યા વગર અનશન સમાપ્ત કરશે નહીં. બુધવારે મોડી રાત્રે જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં સોનમ વાંગચુકે પોતાની તબિયત અંગે માહિતી આપતા જણાવ્યું કે તેમના શરીરના સ્નાયુઓ નબળા પડી રહ્યા છે, પરંતુ માનસિક રીતે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે લોકોને વિશ્વાસ અપાવતા કહ્યું કે, "મારી હાલત એવી પણ નથી કે હું આગામી બે-ચાર દિવસમાં મૃત્યુ પામી જાઉં. છેલ્લા 18 દિવસ દરમિયાન થયેલા તમામ મેડિકલ ટેસ્ટના પરિણામો સામાન્ય છે અને ઈસીજી પણ સંતોષકારક આવ્યો છે. એટલે હું હજુ થોડા દિવસો સુધી આ સંઘર્ષ ચાલુ રાખી શકું છું."
'પરિણામ વગર અનશન તોડું તો સરકારને ખોટો સંદેશ જશે'
સોનમ વાંગચુકે જણાવ્યું કે દેશભરમાંથી હજારો લોકો તેમને સંદેશ મોકલી અનશન સમાપ્ત કરવાની અપીલ કરી રહ્યા છે. અનેક રાજકીય નેતાઓ અને શુભેચ્છકોએ પણ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ભૂખ હડતાળ છોડવાની સલાહ આપી છે. કેટલાક લોકોએ તો કોર્ટમાં અરજી કરીને સરકારને બળજબરીપૂર્વક ખોરાક આપવાનો આદેશ આપવા સુધીની માગ કરી છે. જોકે વાંગચુકે સ્પષ્ટ કર્યું કે, જો તેઓ કોઈ નક્કર પરિણામ વિના અનશન સમાપ્ત કરી દેશે તો સરકારને એવો સંદેશ જશે કે જનતાને જવાબ આપ્યા વિના પણ આંદોલન સમાપ્ત કરાવી શકાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમનો સંઘર્ષ કોઈ વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ સરકારની જવાબદારી નક્કી થાય તે માટે છે.
20 જુલાઈએ 'ચલો સંસદ' માર્ચ માટે દેશભરમાંથી સમર્થનની અપીલ
આંદોલનને વધુ વ્યાપક બનાવવા માટે સોનમ વાંગચુકે દેશના વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને 20 જુલાઈએ યોજાનારા 'ચલો સંસદ' માર્ચમાં મોટી સંખ્યામાં જોડાવાનું આહવાન કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે આ માત્ર વિરોધ પ્રદર્શન નહીં પરંતુ લોકશાહીની પ્રક્રિયાને નજીકથી સમજવાનો અવસર પણ બનશે. તેમણે દેશની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને પણ અપીલ કરી કે તેઓ 20 જુલાઈને 'એક્સપિરિએન્શિયલ એજ્યુકેશન ડે' તરીકે ઉજવે, જેથી વિદ્યાર્થીઓ સંસદીય લોકશાહી અને નાગરિક જવાબદારીને પ્રત્યક્ષ રીતે અનુભવી શકે.
આરોગ્ય પર સતત નજર, વજનમાં લગભગ 9 કિલોનો ઘટાડો
આંદોલન સાથે સંકળાયેલા ડૉક્ટરોના જણાવ્યા અનુસાર લાંબી ભૂખ હડતાળના કારણે સોનમ વાંગચુકનું આરોગ્ય ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. તેમનું વજન હવે આશરે 57.15 કિલોગ્રામ રહ્યું છે, જે અનશનની શરૂઆત બાદ લગભગ 8.9 કિલોગ્રામ ઓછું થયું છે. તેમનું બ્લડ પ્રેશર 105/76 નોંધાયું છે, જ્યારે બ્લડ શુગર 80 mg/dL અને ઓક્સિજન લેવલ 97 ટકા છે. તબીબોનું કહેવું છે કે,વાંગચુક હાલમાં સંપૂર્ણ રીતે સચેત છે અને તેમની માનસિક સ્થિતિ પણ સામાન્ય છે, પરંતુ સતત ઉપવાસને કારણે તેમની તબિયત પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.
વિપક્ષી સાંસદો જંતર-મંતર પહોંચ્યા, સંસદમાં મુદ્દો ઉઠાવવાની ખાતરી
બુધવારે નવી દિલ્હીના જંતર-મંતર પર અનેક વિપક્ષી નેતાઓ અને સાંસદો સોનમ વાંગચુકને મળવા પહોંચ્યા હતા. તેમાં ભીમ આર્મીના પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદ ઉપરાંત સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને CPIના સાંસદો સામેલ રહ્યા હતા. આ નેતાઓએ ખાતરી આપી કે વાંગચુકના આંદોલન સાથે જોડાયેલા મુદ્દાઓ સંસદના આગામી ચોમાસુ સત્ર તેમજ 19 જુલાઈએ યોજાનારી સર્વદલીય બેઠકમાં જોરદાર રીતે ઉઠાવવામાં આવશે. ચંદ્રશેખર આઝાદે જણાવ્યું કે જો સોનમ વાંગચુકના આરોગ્યને કોઈ ગંભીર નુકસાન પહોંચશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. તેમણે દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોને પણ 20 જુલાઈના 'ચલો સંસદ' માર્ચમાં જોડાવાની અપીલ કરી.
મિસ્ડ કોલ અભિયાનને મળ્યો વ્યાપક પ્રતિસાદ
આંદોલન દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થી નેતાઓ પણ સતત ભૂખ હડતાળ પર બેઠા છે. વિવિધ શિક્ષણવિદો, સામાજિક સંસ્થાઓ અને વિપક્ષી પક્ષોએ પણ આ અભિયાનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આંદોલનના આયોજકોના દાવા મુજબ 20 જુલાઈના 'ચલો સંસદ' કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં મિસ્ડ કોલ અભિયાન દ્વારા 1.3 લાખથી વધુ લોકોએ પોતાનું સમર્થન નોંધાવ્યું છે. હવે આંદોલનને મળતું જનસમર્થન અને સરકારની આગામી પ્રતિક્રિયા પર સૌની નજર ટકેલી છે.





