Home Gujarat Social Controversy Over Singer Kinjal Daves Engagement

સિંગર કિંજલ દવેની સગાઈ મુદ્દે સામાજિક વિવાદ : કિંજલબેન દવેની માનસિકતા હલકી છે: બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષી

સિંગર કિંજલ દવેની સગાઈ મુદ્દે સામાજિક વિવાદ
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 07:03 AM IST

Kinjal Dave social boycott case : પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવેની એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે થયેલી સગાઈ બાદ મોટો વિવાદ સર્જાયો છે. પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાના કારણે 14 ડિસેમ્બરના રોજ પાંચ પરગણા બ્રહ્મ સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો સમાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈ સમાજમાં તેમજ સોશિયલ મીડિયા પર ચર્ચા જોર પકડી રહી છે.સમાજિક બહિષ્કાર બાદ કિંજલ દવેએ જાહેરમાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'શું બે-ચાર અસામાજિક તત્વો મારી લાઈફ પાર્ટનર પસંદ કરશે?' તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'વ્યક્તિગત જીવનના નિર્ણયો પોતે લેવાનો દરેકને અધિકાર છે'.

'કિંજલબેન દવેની માનસિકતા હલકી છે'

આ સમગ્ર મામલે પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષીએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 'કિંજલબેન દવેની માનસિકતા હલકી છે. સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી'. તેમણે વધુમાં કહ્યું કે, 'સગાઈ કરતા પહેલા સમાજ કે પરિવારને કોઈ જાણ કરવામાં આવી નહોતી, જે સમાજના બંધારણ સામે છે'. જનક જોષીએ સ્પષ્ટ કર્યું કે, 'બીજા સમાજમાં લગ્ન કરવું કોઈ ગુનો નથી, પરંતુ દરેક સમાજનું પોતાનું એક બંધારણ હોય છે. આ બંધારણ ફક્ત બ્રહ્મ સમાજ પૂરતું સીમિત નથી. પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે અન્ય કોઈપણ સમાજ – દરેકમાં અમુક નિયમો અને પરંપરાઓ હોય છે, જે સમાજના સામાન્ય લોકો માટે લાગુ પડતા હોય છે'.

'સાટા પ્રથા એક સામાજિક બંધારણ છે, જેમાં કોઈ કાયદાની અમલવારી નથી'

તેમણે જણાવ્યું કે, 'કિંજલ દવે એક સેલિબ્રિટી હોવાથી આ મુદ્દો વધારે ચર્ચામાં આવ્યો છે, નહીં તો સમાજમાં સામાન્ય લોકો માટે પણ આવા નિયમો લાગુ પડે છે. સાટા પ્રથા વિશે બોલતાં તેમણે કહ્યું કે સાટા પ્રથા એક સામાજિક બંધારણ છે, જેમાં કોઈ કાયદાની અમલવારી નથી. તેમના સમાજમાં સાટા પ્રથાથી પણ સગાઈ થાય છે અને સાટા પ્રથા વગર પણ સગાઈ થતી હોય છે'.

'પાંખો કાપી હોત, તો તેઓ આટલા ઊંચા મુકામે પહોંચી શક્યા ન હોત'

જનક જોષીએ કહ્યું કે, 'જો સમાજે કિંજલબેનની પાંખો કાપી હોત, તો તેઓ આટલા ઊંચા મુકામે પહોંચી શક્યા ન હોત'. તેમણે જણાવ્યું કે, 'છેલ્લા છ-સાત વર્ષથી કિંજલ દવે સિંગિંગના ક્ષેત્રમાં કાર્યરત છે અને આ સમયગાળામાં સમાજે ક્યારેય તેમના વિરોધમાં કોઈ પોસ્ટ કે નિવેદન આપ્યું નથી' . અંતમાં તેમણે સ્પષ્ટતા કરી કે સમાજિક બહિષ્કાર કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી, પરંતુ સમાજ દ્વારા લેવાયેલો સામૂહિક નિર્ણય છે. આ સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને સમાજ, પરંપરા તથા વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની ટકરાવને સ્પષ્ટ રીતે સામે લાવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now