Home Entertainment Singer Palash Muchhal Accused Of Cheating Rs 40 Lakhs Smriti Mandhanas Friend Files Complaint

OTT ફિલ્મનું સપનું બતાવી લાખોની ઠગાઈ! : સિંગર પલાશ મુચ્છલ પર લાખોની છેતરપિંડીનો આરોપ, સ્મૃતિ મંધાનાના મિત્રએ નોંધાવી ફરિયાદ

OTT ફિલ્મનું સપનું બતાવી લાખોની ઠગાઈ!
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 07:06 AM IST

ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર સ્મૃતિ મંધાના સાથેના અંગત સંબંધોને લઈને સતત ચર્ચામાં રહેતા મ્યુઝિક કમ્પોઝર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. પલાશ પર સાંગલીના એક ફિલ્મ પ્રોડ્યુસરે રૂ.40 લાખની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ સ્મૃતિ મંધાનાનો બાળપણનો મિત્ર હોવાનું કહેવાય છે. ફિલ્મમાં રોકાણ કરાવવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ પલાશે પ્રોડ્યુસરનો નંબર બ્લોક કરી દીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને પગલે સાંગલી પોલીસે હવે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કેવી રીતે થઈ પલાશ અને પ્રોડ્યુસરની મુલાકાત?

ફરિયાદકર્તા વૈભવ માને, જેઓ વ્યવસાયે ફિલ્મ ફાઇનાન્સર છે, તેમણે પોલીસને આપેલી વિગતો મુજબ આ કહાનીની શરૂઆત સાંગલીમાં થઈ હતી. જ્યારે પલાશ મુચ્છલ સાંગલીની મુલાકાતે હતા, ત્યારે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાએ જ વૈભવની મુલાકાત પલાશ સાથે કરાવી હતી. આ ઓળખાણ બાદ પલાશે વૈભવ સામે એક નવો ફિલ્મ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને તેમાં રોકાણ કરવા લાલચ આપી હતી.

'નજરિયા' ફિલ્મ અને મોટા નફાની લાલચ

વૈભવ માનેનો આરોપ છે કે પલાશે તેમને 'નજરિયા' નામની ફિલ્મમાં પૈસા રોકવાની ઓફર કરી હતી. પલાશે વિશ્વાસ અપાવ્યો હતો કે, આ ફિલ્મ ટૂંક સમયમાં એક મોટા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં મોટો નફો મળશે. આ આશ્વાસન પર ભરોસો રાખીને વૈભવે અલગ-અલગ હપ્તે કુલ ₹40 લાખ પલાશને આપ્યા હતા. આ રકમ રોકડ અને ગૂગલ પે (Google Pay) દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેના તમામ પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે.

પૈસા લીધા બાદ પલાશે પ્રોડ્યુસરનો નંબર કર્યો 'બ્લોક'

વૈભવના જણાવ્યા મુજબ, 'નજરિયા' ફિલ્મ ક્યારેય પૂરી જ થઈ નહીં. જ્યારે પ્રોજેક્ટ ઠપ થઈ ગયો ત્યારે વૈભવે પોતાના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પલાશે વાયદાઓ કર્યા, પરંતુ ધીરે ધીરે તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. અંતે પલાશે વૈભવનો નંબર જ બ્લોક કરી દીધો હતો. મહિનાઓ સુધી કોઈ જવાબ ન મળતા આખરે વૈભવે સાંગલી પોલીસ અધિક્ષકનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી છે.

વિવાદો સાથે જૂનો નાતો: સ્મૃતિ મંધાના સાથે બ્રેકઅપની ચર્ચા

પલાશ મુચ્છલ છેલ્લા કેટલાક સમયથી તેની પર્સનલ લાઈફને લઈને પણ સમાચારોમાં છે. થોડા સમય પહેલા જ સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન તૂટ્યા હોવાની અને તેમના બ્રેકઅપની ખબરોએ જોર પકડ્યું હતું. આ વિવાદો વચ્ચે પલાશ અત્યારે એક્ટર શ્રેયસ તલપડે સાથે એક નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે, પરંતુ હવે આ છેતરપિંડીનો મામલો તેની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now