Home Business Silver Price Crash History Devils Metal Investment Risk 2025

ચાંદીએ ક્યારે ક્યારે મારી પલટી? : રાતોરાત અબજોપતિઓ પણ રોડ પર આવી ગયા, જાણો આ 'ડેવિલ્સ મેટલ'નો ડરામણો ઇતિહાસ

ચાંદીએ ક્યારે ક્યારે મારી પલટી?
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 05:00 PM IST

ચાંદીને હંમેશા સુરક્ષિત રોકાણનો પર્યાય માનવામાં આવે છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આ ધાતુએ અનેકવાર રોકાણકારોને જોરદાર આંચકા આપ્યા છે. જ્યારે ચાંદીના ભાવ આસમાને પહોંચે છે ત્યારે રોકાણકારોની લાલચ વધે છે, પણ જ્યારે તે પટકાય છે ત્યારે માત્ર અફસોસ જ બાકી રહે છે. તાજેતરમાં જ ચાંદીના ભાવમાં જોવા મળેલી તેજી બાદ આવેલા મોટા ઘટાડાએ ફરી એકવાર બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. શું ચાંદી ખરેખર ભરોસાપાત્ર છે કે પછી ઇતિહાસ ફરી પોતાની જાતને દોહરાવી રહ્યો છે? ચાલો જાણીએ ચાંદીના ભાવમાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા કડાકાઓ વિશે.

રેકોર્ડ બ્રેક તેજી બાદ અચાનક 21,500 રૂપિયાનો ઘટાડો

છેલ્લા કેટલાક મહિનાઓથી ચાંદી સતત નવા શિખરો સર કરી રહી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૨૯ ડિસેમ્બરની સવારે ચાંદીએ ઇતિહાસ રચતા આશરે 2.54 લાખ રૂપિયા પ્રતિ કિલોનો સ્તર સ્પર્શ્યો હતો. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. માત્ર એક કલાકની અંદર જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 21,500 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો હતો. આ આકસ્મિક કડાકાએ રોકાણકારોને ચોંકાવી દીધા છે અને ફરી એકવાર ચાંદીના 'કાળા ઇતિહાસ'ની યાદ અપાવી દીધી છે.

શા માટે ચાંદીને કહેવાય છે ‘ડેવિલ્સ મેટલ’?

રોકાણની દુનિયામાં ચાંદીને ઘણીવાર ‘ડેવિલ્સ મેટલ’ એટલે કે શૈતાની ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય કારણ તેની અત્યંત અસ્થિર પ્રકૃતિ છે. સોનાની સરખામણીએ ચાંદીમાં ઉતાર-ચઢાવ ખૂબ જ ઝડપી હોય છે. છેલ્લા ૫૦ વર્ષોમાં ચાંદીએ માત્ર ત્રણ વખત મોટી તેજી બતાવી છે અને દરેક વખતે તેજી બાદ રોકાણકારોને લાંબા સમય સુધી નુકસાન સહન કરવું પડ્યું છે.

1980નો સૌથી ભયાનક કડાકો: હન્ટ બ્રધર્સની વાર્તા

ચાંદીના ઇતિહાસની સૌથી પ્રખ્યાત અને ડરામણી ઘટના જાન્યુઆરી 1980 સાથે જોડાયેલી છે. અમેરિકાના અબજોપતિ ભાઈઓ નેલ્સન બંકર હન્ટ અને વિલિયમ હન્ટએ ચાંદીના બજાર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વિશ્વની લગભગ ત્રીજા ભાગની ચાંદી જમા કરી લીધી, જેના કારણે ભાવ ૬ ડોલર પ્રતિ ઔંસથી ઉછળીને 49 ડોલર પર પહોંચી ગયા હતા.

તેમણે ભારે દેવું કરીને ચાંદી ખરીદી હતી, પરંતુ જ્યારે નિયમનકારી સંસ્થાઓએ હસ્તક્ષેપ કર્યો ત્યારે આખી રમત પલટાઈ ગઈ. ૨૭ માર્ચ ૧૯૮૦ના રોજ હન્ટ બ્રધર્સ ‘માર્જિન કોલ’ પૂરો ન કરી શક્યા અને એક જ દિવસમાં ચાંદીના ભાવ ૫૦ ટકાથી વધુ તૂટી ગયા. આ ઘટનામાં હજારો રોકાણકારો બરબાદ થઈ ગયા અને હન્ટ ભાઈઓએ દેવાળિયું ફૂંકવું પડ્યું હતું.

2011નું દેવું સંકટ અને બીજો મોટો આંચકો

પ્રથમ મોટી તબાહી બાદ ચાંદીને ફરી તે સ્તરે પહોંચતા ૩૧ વર્ષ લાગ્યા. વર્ષ 2011માં અમેરિકાના દેવા સંકટ અને વૈશ્વિક આર્થિક મંદીના ડરથી રોકાણકારોએ ચાંદીમાં ભારે રોકાણ કર્યું. ભાવ ફરી ૫૦ ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યા, પરંતુ જેવું અમેરિકાનું સંકટ હળવું થયું કે તરત જ ચાંદીની ચમક ફીકી પડી ગઈ. માત્ર છ મહિનામાં ભાવ 30 ટકાથી વધુ ઘટી ગયા અને આગામી ૧૪ વર્ષ સુધી ચાંદી તે સ્તરની આસપાસ પણ પહોંચી શકી નહોતી.

વર્ષ 2025માં ત્રીજો ઉછાળો અને ફરી એ જ ફાળ

હવે 2025માં ત્રીજી વખત મોટી તેજી જોવા મળી છે. ઓક્ટોબર મહિનાથી ચાંદી સતત નવા ‘ઓલ ટાઈમ હાઈ’ બનાવી રહી હતી. વર્ષની શરૂઆતથી ભાવમાં લગભગ 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, તાજેતરના કડાકાએ સાબિત કરી દીધું છે કે ચાંદીમાં જેટલી તેજી આકર્ષક છે, જોખમ પણ એટલું જ મોટું છે. નિષ્ણાતો માને છે કે ગ્લોબલ ઇકોનોમિક સંકેતો અને સટ્ટાબાજી ચાંદીને અત્યંત અસ્થિર બનાવે છે, તેથી ઇતિહાસ સમજ્યા વગર તેમાં રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now