Home Gujarat Shocking Incident Due To Suspicion Of Having An Affair With Daughter In Panchmahal

દિકરી સાથે આડા સંબંધની શંકાએ ચકચારી ઘટના : વચ્ચે પડેલા વૃદ્ધની હત્યા, પિતા સહિત ત્રણ આરોપી ઝડપાયા

દિકરી સાથે આડા સંબંધની શંકાએ ચકચારી ઘટના
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 06:22 PM IST

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામે દિકરી સાથે આડા સંબંધની શંકાને લઈને થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા 63 વર્ષીય વૃદ્ધની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે યુવતીના પિતા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના બોરીયાવી ગામના પટેલ ફળીયામાં રહેતા નટુભાઈ વજાભાઈ ડાભીને શંકા હતી કે ગામમાં રહેતા સુભાષ નામના યુવકના તેની પુત્રી સાથે આડા સંબંધ છે. આ શંકાને લઈને નટુભાઈ અન્ય બે વ્યક્તિઓ સાથે સુભાષના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો શરૂ થયો હતો.

આ દરમિયાન નટુભાઈ અને અન્ય વ્યક્તિઓ દ્વારા સુભાષને માર મારવામાં આવી રહ્યો હતો. ઝઘડો વધતા સુભાષનો ભાઈ ગણપતભાઈ અને તેના પિતા અમરસિંહ વચ્ચે પડ્યા હતા અને યુવકને છોડાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી.

ઝપાઝપી દરમિયાન આરોપી નટુભાઈ વજા ડાભી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે લાકડી વડે અમરસિંહના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. ફટકો જમણી આંખ ઉપર લમણા ભાગે વાગતા અમરસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાના બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત અમરસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર માટે તેમને વડોદરા લઈ જવાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ત્રણેય આરોપીઓને મોરવા હડફ તાલુકા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now