logo-img
Shocking Footage Shows The Exact Moment A Fatal Accident Happened In Renca Metropolitan Region Chile

ચિલીમાં વિનાશક વિસ્ફોટ : હાઈવે પર ગેસ ટ્રક પલટી જતા ભયાનક બ્લાસ્ટ, 4ના મોત અને 17થી વધુ ઇજાગ્રસ્ત; જુઓ હચમચાવી દેતા દ્રશ્યો

ચિલીમાં વિનાશક વિસ્ફોટ
Published by: Offbeat Team
| Last Updated: Feb 20, 2026, 10:01 AM IST

ચિલીની રાજધાની સેન્ટિયાગો(Santiago)માં એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં લિક્વિડ ગેસથી ભરેલી ટ્રક હાઈવે પર પલટી ગયા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 17થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે હાઈવે પર ઉભેલી અને પસાર થઈ રહેલી લગભગ 50 જેટલી કારોને ભારે નુકસાન થયું છે. આ ઘટના સેન્ટિયાગોના ઉત્તરીય વિસ્તાર રેન્કા(Renca)માં બની હતી, જે એક મોટો ઔદ્યોગિક અને હાઈવે ઝોન છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગેસ ટ્રકના ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારી ગઈ હતી, જે બાદ ગણતરીની સેકન્ડોમાં જ આખું આકાશ આગની જ્વાળાઓથી ભરાઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો હૃદય હચમચાવી દે તેવા છે.

200 મીટરની ત્રિજ્યામાં અનુભવાયા ધડાકા

ફાયર ફાઇટર્સના રિપોર્ટ મુજબ, આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, તેની અસર 150 થી 200 મીટરના વિસ્તારમાં અનુભવાઈ હતી. વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં ઉભેલા વાહનો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકોમાં ટ્રકનો ડ્રાઈવર પણ સામેલ છે, જેણે અકસ્માત સમયે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો.

5 લોકોની હાલત અત્યંત નાજુક: એક વ્યક્તિ 100% દાઝી ગઈ

સેન્ટિયાગો મેટ્રોપોલિટન રિજનના ગવર્નર ક્લાઉડિયો ઓરેગોએ આ હૃદયદ્રાવક ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઇજાગ્રસ્તો પૈકી 5 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "એક વ્યક્તિનું શરીર 100% દાઝી ગયું છે, જેના કારણે તેના જીવન પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે." અન્ય ઇજાગ્રસ્તોને પણ સ્થાનિક ટ્રોમા સેન્ટરોમાં સારવાર આપવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે વ્યક્ત કરી ચિંતા

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે પણ આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કાટમાળ અને ધડાકાની અસરથી આસપાસના ત્રણ સ્થાનિક વ્યવસાયો (દુકાનો) ને પણ નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, રહેણાંક વિસ્તારોમાં કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ જાનહાનિનો આંકડો મોટો છે.

તપાસના ચક્રો ગતિમાન: ગેસ કંપની મૌન

આ ટ્રક સ્થાનિક ગેસ કંપની 'Gasco' સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. હાલ પ્રોસીક્યુટર ઓફિસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કે, શું આ અકસ્માત માનવીય ભૂલ હતી કે ટ્રકમાં કોઈ ટેકનિકલ ખામી હતી. બીજી તરફ, ગેસ કંપની ગેસ્કોએ હજુ સુધી આ દુર્ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિભાવ આપ્યો નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now