Home Sports Shington Sundar Injury Harsh Dubey India England 3rd Odi

લોર્ડ્સમાં નિર્ણાયક વનડે પહેલાં ભારતને ઝટકો : વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત, તેના સ્થાને આવ્યો કયો ઓલરાઉન્ડર?

લોર્ડ્સ વનડે પહેલાં ભારતીય ટીમમાં સામેલ થયેલા હર્ષ દુબે અને ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદર.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 04:01 PM IST

INDvsENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 19 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનારી ત્રીજી અને નિર્ણાયક વનડે પહેલાં ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર જમણી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને ડાબોડી સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર હર્ષ દુબેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સત્તાવાર જાહેરાત કરી છે. ત્રણ મેચની વનડે શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. પ્રથમ વનડે ભારતે જીતી હતી જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી શ્રેણીમાં બરાબરી કરી હતી. હવે લોર્ડ્સ ખાતે રમાનારી ત્રીજી મેચ બંને ટીમો માટે 'વિનર ટેક્સ ઓલ' જેવી બની ગઈ છે. ભારતીય જ સમય મુજબ મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.


હેમસ્ટ્રિંગ ઈજાના કારણે સુંદર બહાર

BCCIના જણાવ્યા અનુસાર, વોશિંગ્ટન સુંદરને બીજી વનડે દરમિયાન જમણી હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. મેડિકલ ટીમની તપાસ બાદ તેમને અંતિમ વનડેમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેઓ વધુ સ્કેન કરાવશે અને નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લેશે. હાલમાં તેમની રિકવરી અંગે કોઈ નિશ્ચિત સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. વોશિંગ્ટન સુંદર છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ માટે બેટ અને બોલ બંનેથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. મિડલ ઓર્ડરમાં ઉપયોગી બેટિંગ ઉપરાંત પાવરપ્લે અને મધ્ય ઓવરોમાં કિફાયતી બોલિંગ કરવાની તેમની ક્ષમતાને કારણે ટીમને સારું સંતુલન મળતું હતું. નિર્ણાયક મેચ પહેલાં તેમનું બહાર થવું કેપ્ટન શુભમન ગિલ અને ટીમ મેનેજમેન્ટ માટે પડકારરૂપ માનવામાં આવી રહ્યું છે.

હર્ષ દુબેને ફરી મોટી તક

સુંદરના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા હર્ષ દુબે ઘરેલું ક્રિકેટમાં સતત પ્રભાવશાળી દેખાવ કરી રહ્યા છે. ડાબોડી સ્પિનર અને ઉપયોગી બેટ્સમેન તરીકે તેમની ઓળખ છે. ગયા મહિને અફઘાનિસ્તાન સામે તેમણે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી રમેલી બે વનડેમાં ચાર વિકેટ ઝડપી છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે તેઓ નિર્ણાયક મુકાબલામાં બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ મહત્વનું યોગદાન આપી શકશે.

ભારતીય ટીમ હવે લોર્ડ્સમાં શ્રેણી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. અનુભવી ખેલાડીની ગેરહાજરી વચ્ચે યુવા ખેલાડીઓ પર વધુ જવાબદારી રહેશે અને તમામની નજર હર્ષ દુબેના પ્રદર્શન પર રહેશે.

આ પણ વાંચો: FIFA World Cup 2026 Finalની ટિકિટે સર્જ્યો નવો ઇતિહાસ : 1 ટિકિટની કિંમત હોશ ઉડાવી દે તેવી, ઇતિહાસની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ઇવેન્ટ બની ફીફા 2026ની ફાઇનલ


ભારતીય ટીમ માટે લોર્ડ્સની આ મેચ માત્ર શ્રેણી જીતવાનો જ નહીં પરંતુ આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવાની પણ મહત્વપૂર્ણ તક છે. આવી સ્થિતિમાં હર્ષ દુબે પાસે પોતાની પ્રતિભા સાબિત કરવાની સુવર્ણ તક રહેશે. જો તેમને અંતિમ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તો તેઓ પોતાના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, વોશિંગ્ટન સુંદરની ઈજાની ગંભીરતા અંગે બીસીસીઆઈની મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં તેમના સ્કેન રિપોર્ટ અને તબીબી સલાહના આધારે તેમની રિકવરી અને આગામી શ્રેણીમાં ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવામાં આવશે. ભારતીય ટીમને આશા રહેશે કે અનુભવી ઓલરાઉન્ડર ઝડપથી સંપૂર્ણ ફિટ થઈ મેદાન પર પરત ફરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now