Home National Shashi Tharoor Open Letter To Nandan Nilekani Exam Reforms India

પરીક્ષા વ્યવસ્થા સુધારવા શશિ થરૂરનો નંદન નીલેકણીને ખુલ્લો પત્ર : દેશની પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે આપ્યા મહત્વપૂર્ણ સૂચનો

શશિ થરૂરનો નંદન નીલેકણીને ખુલ્લો પત્ર, પરીક્ષા સુધારાના સૂચનો
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 27, 2026, 05:32 PM IST

નવી દિલ્હી: દેશમાં સતત સામે આવી રહેલા પેપર લીકના બનાવો અને જાહેર પરીક્ષાઓની વિશ્વસનીયતા અંગે ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂરે ઇન્ફોસિસના સહ-સ્થાપક અને NTA પરીક્ષા સુધારા માટે રચાયેલી હાઈ પાવર ટાસ્ક ફોર્સના અધ્યક્ષ નંદન નીલેકણીને ખુલ્લો પત્ર લખીને પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક અને માળખાકીય સુધારાની માંગ કરી છે. થરૂરે પોતાના પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારતની હાલની પરીક્ષા વ્યવસ્થા માત્ર પેપર લીકની સમસ્યાથી જ નહીં પરંતુ તેની મૂળભૂત રચના, મૂલ્યાંકન પદ્ધતિ અને શિક્ષણના અભિગમથી પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. તેમના મતે હવે સમય આવી ગયો છે કે માત્ર તાત્કાલિક ઉપાયો નહીં પરંતુ સમગ્ર પરીક્ષા અને ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને નવી દિશા આપવામાં આવે.

સરકારે બનાવી છે નવી હાઈ પાવર ટાસ્ક ફોર્સ

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ની કામગીરીમાં ટેક્નોલોજી આધારિત અને માળખાકીય સુધારા લાવવા માટે નંદન નીલેકણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં પેપર લીક, પરીક્ષા ગેરરીતિ, ડેટા સુરક્ષા, પ્રશ્નપત્ર વ્યવસ્થા અને પરીક્ષા સંચાલનમાં પારદર્શિતા વધારવા માટે લાંબા ગાળાના સૂચનો આપવાનો છે.

આ જ સંદર્ભમાં શશિ થરૂરે ખુલ્લો પત્ર લખીને જણાવ્યું કે અગાઉ પણ પ્રોફેસર કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ હતી, જેણે 101થી વધુ ભલામણો કરી હતી, પરંતુ તેમાંથી મોટાભાગની ભલામણોનો અમલ થયો નહોતો. તેમણે આશા વ્યક્ત કરી કે આ વખતે આપવામાં આવનારા સૂચનોને સરકાર ગંભીરતાથી અમલમાં મૂકશે.

યુવાનોમાં વિશ્વાસનો ગંભીર સંકટ

શશિ થરૂરે પોતાના પત્રમાં લખ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો યુવાનો પોતાની કારકિર્દી માટે વર્ષો સુધી મહેનત કરે છે, પરંતુ અંતે પેપર લીક, પરીક્ષા રદ થવી, ટેક્નિકલ ખામીઓ અને વહીવટી બેદરકારીના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળે છે. તેમણે લખ્યું કે યુવાનોનો ગુસ્સો માત્ર એકાદ પેપર લીક સામે નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા સામે છે. વિદ્યાર્થીઓ પોતાની ઊંઘ, આરોગ્ય, પરિવારના આર્થિક સંસાધનો અને વર્ષોનો સમય પરીક્ષાની તૈયારીમાં ખર્ચે છે, છતાં સિસ્ટમની ખામીઓનો ભોગ બને છે.

આ પણ વાંચો
: બિહાર સરકારનો મોટો નિર્ણય : NEET આંદોલનકારી વિદ્યાર્થીઓ સામેના તમામ કેસ પાછા ખેંચાશે, જેલમાં બંધ પ્રદર્શનકારીઓ થશે મુક્ત

'એક દિવસની પરીક્ષા' મોડલ બદલવાની જરૂર

થરૂરના જણાવ્યા મુજબ ભારતની વર્તમાન પરીક્ષા પદ્ધતિનું સૌથી મોટું નબળું પાસું એ છે કે લાખો વિદ્યાર્થીઓને એક જ દિવસે એક જ પ્રશ્નપત્ર સાથે પરીક્ષા આપવી પડે છે.

તેમણે સૂચન કર્યું કે અમેરિકા જેવી GRE અને SAT પરીક્ષાની પદ્ધતિ અપનાવીને વર્ષ દરમિયાન અનેક વખત પરીક્ષા લેવાય તેવી વ્યવસ્થા થવી જોઈએ.

તેમના સૂચનો મુજબ—

  • દરેક જિલ્લામાં આધુનિક અને સુરક્ષિત કમ્પ્યુટર આધારિત પરીક્ષા કેન્દ્રો ઉભા કરવા જોઈએ.

  • વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અનેક વખત પરીક્ષા આપવાની તક મળવી જોઈએ.

  • પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો શ્રેષ્ઠ સ્કોર માન્ય ગણવો જોઈએ.

  • એક જ દિવસની પરીક્ષા પર સંપૂર્ણ ભવિષ્ય નિર્ભર રહે તેવી સ્થિતિ દૂર કરવી જોઈએ.

તેમના મતે આથી વિદ્યાર્થીઓનો માનસિક તણાવ ઘટશે તેમજ પેપર લીકના જોખમમાં પણ મોટો ઘટાડો થશે.

AI આધારિત પ્રશ્નબેંક અને ડાયનેમિક પ્રશ્નપત્રની ભલામણ

શશિ થરૂરે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો છે. તેમણે સૂચવ્યું કે સુરક્ષિત ક્રિપ્ટોગ્રાફિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે એવી પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવે જ્યાં દરેક ઉમેદવારને અલગ પ્રશ્નપત્ર મળે. આ પ્રકારની ડાયનેમિક પરીક્ષા વ્યવસ્થાથી પરંપરાગત પ્રશ્નપત્ર લીક થવાની શક્યતા લગભગ અશક્ય બની શકે છે.

'રટણ' નહીં, વિચારશક્તિનું મૂલ્યાંકન થવું જોઈએ

થરૂરે જણાવ્યું કે હાલની પ્રવેશ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની યાદશક્તિ અને ઝડપનું વધુ મૂલ્યાંકન થાય છે, જ્યારે વાસ્તવિક જીવનમાં જરૂરી ક્રિટિકલ થિંકિંગ, વિશ્લેષણ ક્ષમતા અને સમસ્યા ઉકેલવાની કુશળતાને પૂરતું મહત્વ મળતું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે શિક્ષણનો હેતુ માત્ર "શું વિચારવું" શીખવવાનો નહીં પરંતુ "કેવી રીતે વિચારવું" શીખવવાનો હોવો જોઈએ. તેમના મતે હાલની પરીક્ષા પદ્ધતિના કારણે દેશમાં હજારો કરોડ રૂપિયાનું કોચિંગ ઉદ્યોગ ઉભો થયો છે, જે આર્થિક રીતે સક્ષમ વિદ્યાર્થીઓને વધુ લાભ આપે છે જ્યારે ગ્રામ્ય અને ગરીબ વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે.

પ્રવેશ પ્રક્રિયામાં સર્વાંગી મૂલ્યાંકનની માંગ

શશિ થરૂરે સૂચન કર્યું કે માત્ર એન્ટ્રન્સ પરીક્ષાના ગુણના આધારે પ્રવેશ આપવાની પદ્ધતિમાં ફેરફાર થવો જોઈએ.

તેમણે ભલામણ કરી કે પ્રવેશ દરમિયાન નીચેના પરિબળોને પણ મહત્વ અપાય—

  • બોર્ડ પરીક્ષાનું પ્રદર્શન

  • સર્જનાત્મક લેખન ક્ષમતા

  • વિશ્લેષણાત્મક વિચારશક્તિ

  • સંશોધન ક્ષમતા

  • સમુદાય સેવા

  • સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓ

  • પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન

યુનિવર્સિટીઓને વધુ સ્વાયત્તતા આપવાની ભલામણ

થરૂરે જણાવ્યું કે માત્ર પરીક્ષા સુધારાથી પૂરતું નહીં બને. તેમણે રાજ્ય અને કેન્દ્રીય યુનિવર્સિટીઓને વધુ શૈક્ષણિક અને વહીવટી સ્વતંત્રતા આપવાની માંગ કરી. AI, ક્લાઈમેટ સાયન્સ, બાયોટેક્નોલોજી, ડિજિટલ ઇનોવેશન જેવા આધુનિક વિષયોનો સમાવેશ તેમજ ઉદ્યોગ સાથે સીધા જોડાયેલા કોર્સ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે દરેક અંડરગ્રેજ્યુએટ કોર્સમાં ફરજિયાત ઇન્ટર્નશિપ, રિસર્ચ અને ફીલ્ડ પ્રોજેક્ટનો સમાવેશ કરવાની પણ ભલામણ કરી.

જવાબદારી નક્કી કરવા કડક કાયદાની માંગ

થરૂરે પોતાના પત્રમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં પરીક્ષા ગેરરીતિઓ માટે જવાબદાર અધિકારીઓ સામે અસરકારક કાર્યવાહી થઈ નથી.

તેમણે "National Testing Standards Act" જેવા નવા કાયદાની ભલામણ કરી, જેમાં—

  • પરીક્ષા રદ થાય તો વિદ્યાર્થીઓને વળતર,

  • ફરિયાદોના ઝડપી નિવારણ,

  • પરીક્ષા એજન્સીઓની કાનૂની જવાબદારી,

  • બેદરકારી બદલ કડક સજા,

  • સ્વતંત્ર પરીક્ષા ઓમ્બુડ્સમેનની નિમણૂક

જેવી જોગવાઈઓ હોવી જોઈએ.

આ પણ વાંચો: દેશમાં આવશે ₹10 અને ₹20ની 200 કરોડ પ્લાસ્ટિક નોટો : ટ્રાયલ સફળ થતાં જ વધારાનો જથ્થો લોન્ચ કરાશે, શું કાગળની કરન્સી બંધ થઈ જશે?

'ભારતને વિશ્વસ્તરીય પરીક્ષા વ્યવસ્થા તરફ આગળ વધવું પડશે'

પત્રના અંતમાં શશિ થરૂરે લખ્યું કે જંતર-મંતર સહિત દેશભરમાં વિરોધ કરનારા યુવાનો કોઈ વિશેષ લાભ નથી માંગતા, પરંતુ પારદર્શક, વિશ્વસનીય અને ન્યાયસંગત પરીક્ષા વ્યવસ્થા માંગે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે ભારત પાસે બે વિકલ્પ છે—એક જૂની અને સતત નિષ્ફળ સાબિત થતી પરીક્ષા વ્યવસ્થાને જેમ તેમ ચલાવવી અથવા વિશ્વસ્તરીય, ટેક્નોલોજી આધારિત, પારદર્શક અને વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખતી નવી પરીક્ષા વ્યવસ્થા ઉભી કરવી. શશિ થરૂરના આ ખુલ્લા પત્ર બાદ હવે નજર નંદન નીલેકણીની અધ્યક્ષતાવાળી સમિતિ પર રહેશે કે તે પરીક્ષા સુધારા માટે કયા મહત્વપૂર્ણ સૂચનો આપે છે અને સરકાર તેને કેટલા પ્રમાણમાં અમલમાં મૂકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now