Shane Warne : IPL ની દુનિયામાં ખેલાડીઓ પોતાની ગેમથી કરોડો રૂપિયા કમાતા હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના દિવંગત દિગ્ગજ સ્પિનર શેન વોર્ને મેદાનની બહાર પણ એવી રમત રમી કે, આજે તેમનો પરિવાર અબજોપતિ બની ગયો છે. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીના વેચાણની ખબરો વચ્ચે શેન વોર્નનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે, કારણ કે, વર્ષો પહેલા લેવાયેલો એક સ્માર્ટ નિર્ણયે તેમને કમાણીના મામલે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોથી પણ આગળ નીકળી ગયા છે.
નિર્ણય જેને બદલ્યું નસીબ
દિવંગત લેગ સ્પિનર શેન વોર્ને IPL ની શરૂઆતની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાતી વખતે એક શરત મૂકી હતી. તેમણે કેપ્ટન અને કોચ બનવાની સાથે ફ્રેન્ચાઇઝીમાં 0.75 ટકાની ઇક્વિટી (હિસ્સેદારી) માંગી હતી. તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે, આ નાનકડો ભાગ ભવિષ્યમાં આટલો મોટો ખજાનો બની જશે. આજે જ્યારે આ ટીમ વેચાઈ રહી છે, ત્યારે વોર્નનો પરિવાર આશરે 460 કરોડ રૂપિયાનો માલિક બનવા જઈ રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સનું રેકોર્ડ બ્રેક વેચાણ
IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીના માલિકી હક્કમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અમેરિકાના કાલ સોમાણીના નેતૃત્વ હેઠળના ગ્રુપે આ ટીમને 1.63 અબજ ડોલર એટલે કે આશરે 15,290 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. આ વેલ્યુએશન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) ની કિંમતની ખૂબ નજીક છે, જે IPL માર્કેટની તેજી દર્શાવે છે.
વોર્નની દીર્ઘદ્રષ્ટિ અને કમાણી
શેન વોર્ને એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, તેમણે ટીમને પોતાની રીતે ચલાવવા માટે વન-સ્ટોપ શોપ જેવો રોલ સ્વીકાર્યો હતો. સાત વર્ષ પહેલા જ્યારે ટીમની વેલ્યુએશન 400 મિલિયન ડોલર હતી, ત્યારે પણ વોર્ન પોતાના ભાગથી સંતુષ્ટ હતા. આજે ટીમની કિંમત આસમાને પહોંચતા તેમની એ 0.75 ટકાની ઇક્વિટીની કિંમત 70 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરથી વધુ થઈ ગઈ છે.
BCCI ને પણ થશે મોટો ફાયદો
આ હાઈ-પ્રોફાઈલ ડીલથી માત્ર વોર્નનો પરિવાર જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ માલામાલ થશે. નિયમો મુજબ ફ્રેન્ચાઇઝીના વેચાણનો 5 ટકા ભાગ બોર્ડને મળે છે, જે મુજબ BCCI ને આશરે 765 કરોડ રૂપિયાની આવક થવાની શક્યતા છે. આ ટ્રાન્ઝેક્શનને અત્યારે મંજૂરી મળવાની બાકી છે અને 2026 ની સિઝન બાદ નવી ટીમ મેનેજમેન્ટ કાર્યભાર સંભાળશે.
શૂન્યમાંથી સર્જનની કહાની
વર્ષ 2008 માં મનોજ બડાલેના ગ્રુપે રાજસ્થાન રોયલ્સને માત્ર 67 મિલિયન ડોલરમાં ખરીદી હતી. તે સમયે આ સૌથી સસ્તી ટીમ હતી, પરંતુ શેન વોર્નના નેતૃત્વમાં આ ટીમે પ્રથમ સિઝન જીતીને ઇતિહાસ રચ્યો હતો. આજે એ જ ટીમ અબજોની કિંમત ધરાવે છે અને તેના પ્રથમ કેપ્ટનનો પરિવાર આ સફળતાનો મોટો ભાગ મેળવી રહ્યા છે.
શેન વોર્નની કારકિર્દી
ક્રિકેટના મેદાન પર પોતાની સ્પિન બોલિંગથી દિગ્ગજ બેટ્સમેનોની વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું 4 માર્ચ, 2022ના રોજ 52 વર્ષની વયે થાઈલેન્ડના કોહ સમુઈ ખાતે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાં અગ્રણી સ્થાન ધરાવતા આ લેગ-સ્પિનરે પોતાની 15 વર્ષની શાનદાર કારકિર્દી દરમિયાન 708 ટેસ્ટ વિકેટ ઝડપીને ક્રિકેટ ઇતિહાસમાં એક મોરું નામ સ્થાપિત કર્યું હતું. રમત પ્રત્યેનો તેમનો આ જુસ્સો અને મેદાન પરની તેમની જાદુઈ બોલિંગ આજે પણ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ માટે એક યાદગીરી બની રહી છે.





