Viramgam-Surendranagar Accident : વિરમગામ–સુરેન્દ્રનગર હાઇવે પર મોડી રાત્રે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા. આ અકસ્માત રામછાપરી અને વિઠ્ઠલાપરા ગામ વચ્ચે થયો હતો. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલી એક આઈસર ટ્રકે બાઈકને જોરદાર અડફેટે લીધો હતો.
વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર અકસ્માત
ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત બાદ ટ્રકના તોતિંગ ટાયર બાઈક સવાર યુવાનો પર ફરી વળ્યા હતા, જેના કારણે બંને યુવાનોનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક યુવાનો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાસ્કરપરા ગામના રહેવાસી હતા. તેઓ બાઈક પર સવાર થઈ વિઠ્ઠલાપરાથી રામછાપરી તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત બન્યો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે તપાસ હાથધરી
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે હાઇવે પર ભારે વાહનોની બેદરકારી અને ઝડપી વાહનચાલન સામે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.






