Home Gujarat Serious Accident In Kalol Panchmahal

પંચમહાલના કાલોલમાં ગંભીર અકસ્માત : વિદ્યાર્થી ભરેલી તુફાન ગાડી પલટી, પાંચને ઈજા

પંચમહાલના કાલોલમાં ગંભીર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 11:31 AM IST

Panchmahal News : પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સાંઢાસાલ ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પરીક્ષા આપી ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડતાં પાંચ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત દરમિયાન તુફાન ગાડી પલ્ટી જતાં ઘટના બની હતી.

પરીક્ષા આપી ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત

મળતી માહિતી મુજબ, સાંઢાસાલ ખાતે આવેલી એમ.ડી. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12ની પરીક્ષા આપી વિદ્યાર્થીઓ તુફાન ગાડીમાં ઘરે જતાં હતાં. ગાડીમાં કુલ 12 વિદ્યાર્થીઓ બેઠેલા હતા. આ દરમિયાન જંત્રાલ અને સાંઢાસાલ ગામની વચ્ચે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટેમ્પોએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક કરતી વખતે ટેમ્પોએ વિદ્યાર્થીઓની તુફાન ગાડીને ટક્કર મારતા ગાડી પલ્ટી ગઈ અને અકસ્માત સર્જાયો.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

આ અકસ્માતમાં ચાર વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓ જંત્રાલ અને ઝરકડા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે તપાસ હાથધરી

અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now