Home International Sergio Gor Appointed Us Ambassador To India Amidst Tension Donald Trump Pakistan Relations

ભારત સાથે સંબંધો સુધારવા અમેરિકાનો નવો પ્લાન : ટ્રમ્પના ખાસ માણસ જાન્યુઆરીમાં આવશે દિલ્હી

ભારત સાથે સંબંધો સુધારવા અમેરિકાનો નવો પ્લાન
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 04:30 PM IST

હાલના સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પની સતત નિવેદનબાજી અને ભારત વિરોધી નિર્ણયોએ રાજદ્વારી સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે. જોકે આ તંગદિલી વચ્ચે પડદા પાછળ કંઈક અલગ જ રમત રમાઈ રહી હોય તેવું લાગે છે. અમેરિકાએ હવે ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે નવી દિલ્હી સ્થિત પોતાની એમ્બેસીમાં મોટા ફેરફારો કરવાની શરૂઆત કરી દીધી છે અને ટૂંક સમયમાં નવા રાજદૂત ભારત આવી રહ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર સર્જિયો ગોર જાન્યુઆરી 2026 થી ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે સત્તાવાર રીતે પદભાર સંભાળવા માટે તૈયાર છે. મહત્વની વાત એ છે કે સર્જિયો ગોર પરંપરાગત સરકારી રાહે કામ કરવાને બદલે પોતાની અલગ શૈલીમાં કામ કરશે. તેઓ વિદેશ વિભાગના સરકારી અધિકારીઓ પર સંપૂર્ણપણે નિર્ભર રહેવાને બદલે પોતાના વિશ્વાસુ લોકોની ટીમ સાથે ભારત આવી રહ્યા છે. તેમણે ભારત અને અમેરિકાના સંબંધોને નવી દિશા આપવા માટે દૂતાવાસમાં પોતાના અંગત સહયોગીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે અમેરિકામાં મહત્વના હોદ્દાઓ પર વહીવટીતંત્રની નજીકના થિંક ટેન્ક પ્રોફેશનલ્સને મૂકવાની પ્રથા રહી છે.

સર્જિયો ગોરના આગમન પહેલાં દિલ્હીમાં અમેરિકન મિશનના અધિકારી જોર્ગન કે એન્ડ્રુઝને પદ છોડવાની સૂચના આપી દેવામાં આવી છે. એન્ડ્રુઝ વિદેશ સેવાના ખૂબ જ અનુભવી અધિકારી છે અને તેઓ ડિપ્લોમસી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા બાબતોમાં 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ રશિયન ભાષા પણ જાણે છે. જોકે હવે નવી વ્યવસ્થા હેઠળ ગોર પોતાની ટીમ સાથે કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોરે ઓક્ટોબર મહિનામાં ભારતની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ ફેરફારો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ઓપરેશન સિંદૂર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાન વચ્ચેની નિકટતા વધી છે. છેલ્લા 3 થી 4 મહિનામાં ટ્રમ્પે એવા અનેક નિર્ણયો લીધા છે જે ભારત માટે ચિંતાજનક છે. ટ્રમ્પ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાતો કરી ચૂક્યા છે અને તેમના નિવેદનો પણ પાકિસ્તાનની તરફેણમાં રહ્યા છે. વ્યાપારિક મોરચે પણ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ એટલે કે 50 ટકા જેટલો ટેરિફ લગાવીને દબાણ ઉભું કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે નવા રાજદૂત સર્જિયો ગોર આ બગડેલી બાજીને કઈ રીતે સુધારે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now