Home Health-lifestyle Say Goodbye To Chemicals Make Hair Oil At Home From Dried Coconut Like This All Hair Problems Will Be Gone

કેમિકલને કહો Bye-Bye : સૂકા નારિયેળમાંથી ઘરે આ રીતે બનાવો હેર ઓઈલ, વાળની તમામ સમસ્યાઓ થશે દૂર!

કેમિકલને કહો Bye-Bye
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 10:46 AM IST

આજના પ્રદૂષણ અને ભેળસેળિયા યુગમાં બજારમાં મળતી લગભગ દરેક વસ્તુમાં કેમિકલ્સ જોવા મળે છે. ખાસ કરીને નારિયેળ તેલ, જેનો આપણે વાળ અને ત્વચાની સંભાળ માટે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ, તેમાં શુદ્ધતાના નામે માત્ર સુગંધ અને પ્રિઝર્વેટિવ્સ જ હોય છે. આ કેમિકલ્સયુક્ત તેલ લાંબા ગાળે વાળને ફાયદો કરવાને બદલે નુકસાન પહોંચાડે છે અને વાળ ખરવાની સમસ્યા વધારે છે. બીજી તરફ, આપણા ઘરોમાં પૂજા-પાઠ કે, પ્રસંગો બાદ ઘણીવાર સૂકા નારિયેળ (ગોટા) પડ્યા રહેતા હોય છે, જે લાંબો સમય થતા બગડી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વધેલા નારિયેળમાંથી તમે બજાર કરતા પણ ઉત્તમ અને સુગંધિત તેલ ઘરે જ તૈયાર કરી શકો છો? આ તેલ તમારા વાળને મૂળમાંથી મજબૂત બનાવશે અને કુદરતી ચમક આપશે.

કેમ ઘરે બનાવેલું તેલ છે શ્રેષ્ઠ?

બજારમાં મળતા તેલને લાંબો સમય સાચવી રાખવા માટે તેમાં મિનરલ ઓઈલ અને કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. જ્યારે ઘરે બનાવેલું તેલ સંપૂર્ણપણે કુદરતી હોય છે. તે બનાવવાની પ્રક્રિયા દૂધમાંથી ઘી કાઢવા જેવી જ સરળ છે. આ તેલની સુગંધ એટલી મસ્ત હોય છે કે તમે બજારનું તેલ વાપરવાનું ભૂલી જશો.

નારિયેળ તેલ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

1. નારિયેળને પલાળવાની રીત: સૌ પ્રથમ સૂકા નારિયેળના નાના-નાના ટુકડા કરી લો. આ ટુકડાઓને લગભગ બે કલાક માટે સ્વચ્છ પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી નારિયેળ નરમ પડી જશે અને તેને મિક્સરમાં પીસવામાં સરળતા રહેશે.

2. નારિયેળનું દૂધ તૈયાર કરો: તમે જેટલા કપ નારિયેળના ટુકડા લીધા હોય, તેટલું જ પાણી તેમાં ઉમેરો (1:1 નું પ્રમાણ). હવે તેને મિક્સરમાં એકદમ બારીક પીસી લો. ત્યારબાદ એક સ્વચ્છ સુતરાઉ કાપડ લો અને તેમાં આ મિશ્રણ નાખીને બરાબર નીચોવી લો. આનાથી નારિયેળનું ઘટ્ટ દૂધ અલગ થઈ જશે.

ટીપ: વધેલા નારિયેળના કૂચાને ફેંકશો નહીં, તેને તડકામાં સૂકવીને તમે રસોઈમાં નારિયેળ પાવડર (Dessicated Coconut) તરીકે વાપરી શકો છો.

3. મલાઈને અલગ કરવાની પ્રક્રિયા: તૈયાર થયેલા નારિયેળના દૂધને એક વાસણમાં ભરીને ૧૫ કલાક અથવા આખી રાત માટે ફ્રીજમાં રાખી દો. ઠંડકને કારણે દૂધની ઉપરના ભાગમાં સફેદ માખણ જેવું ઘટ્ટ પડ (મલાઈ) જામી જશે અને પાણી નીચે રહી જશે. આ મલાઈને ચમચીની મદદથી કાળજીપૂર્વક કાઢી લો.

તેલ કાઢવાની અંતિમ વિધિ (Cooking Process)

હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લો અને તેમાં આ જામી ગયેલી મલાઈ નાખીને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. જેમ આપણે મલાઈમાંથી ઘી બનાવીએ છીએ, તેવી જ રીતે આને સતત હલાવતા રહો. ધીમે ધીમે મલાઈ પાકશે અને તેમાંથી પારદર્શક તેલ છૂટું પડવા લાગશે. જ્યારે મલાઈનો કચરો કથ્થઈ રંગનો થઈ જાય અને બધું જ તેલ અલગ પડી જાય, ત્યારે ગેસ બંધ કરી દો. તૈયાર થયેલા તેલને સહેજ ઠંડુ થાય એટલે ગરણી અથવા સુતરાઉ કાપડથી ગાળી લો. લો તૈયાર છે તમારું 100% શુદ્ધ હોમમેડ કોકોનટ ઓઈલ! આ તેલને કાચની બોટલમાં ભરીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now