Sanoj Mishra Monalisa Controversy: મહાકુંભની 'વાયરલ ગર્લ' તરીકે જાણીતી બનેલી મોનાલિસા ભોસલે અને ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રા વચ્ચેનો વિવાદ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાયો છે. મોનાલિસાએ સનોજ મિશ્રા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા બાદ હવે POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) હેઠળ FIR નોંધાવી છે. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર ફરી એકવાર આ વિવાદ ગરમાયો છે.
સનોજ મિશ્રાની મુશ્કેલીઓમાં વધારો
પીટીઆઈના રિપોર્ટ અનુસાર, મોનાલિસાએ સનોજ મિશ્રા પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. તેનું કહેવું છે કે જ્યારે તે સગીર હતી, ત્યારે ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' ના શૂટિંગ દરમિયાન ડાયરેક્ટરે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. આ મામલે હવે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રેસ કોન્ફરન્સમાં લગાવ્યા ગંભીર આરોપ
કોચ્ચિમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોનાલિસાએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે, શૂટિંગ દરમિયાન ડાયરેક્ટરે તેને 10 થી વધુ વખત ખોટી રીતે સ્પર્શ (Bad Touch) કર્યો હતો. મોનાલિસાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, "જ્યારે મેં આ વિશે મારા પરિવારને જાણ કરી, ત્યારે તેમણે પણ મને સાથ આપવાને બદલે હડધૂત કરી હતી."
લવ જેહાદ અને અંગત જીવનનો વિવાદ
આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે મોનાલિસાએ ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા. સનોજ મિશ્રાએ આ લગ્નને 'લવ જેહાદ' ગણાવ્યા હતા. જોકે, મોનાલિસાએ સ્પષ્ટતા કરી હતી કે તે ફરમાનને પ્રેમ કરે છે અને આ કોઈ લવ જેહાદ નથી. તેણે આક્ષેપ કર્યો હતો કે સનોજ મિશ્રા તેનો ફાયદો ઉઠાવવા માંગતા હતા, તેથી તેઓ આવા નિવેદનો આપી રહ્યા છે.
આર્થિક તંગી અને દેવામાં ડૂબ્યા છે ડાયરેક્ટર
એક તરફ સનોજ મિશ્રા કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે, તો બીજી તરફ તેઓ આર્થિક રીતે પણ પાયમાલ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ તેમણે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે તેઓ ભારે દેવામાં ડૂબેલા છે અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદની ગુહાર પણ લગાવી હતી.
કેવી રીતે શરૂ થઈ હતી સફર?
ઉલ્લેખનીય છે કે સનોજ મિશ્રાએ મોનાલિસાને મહાકુંભ દરમિયાન જોઈ હતી અને તેને પોતાની ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' માટે હીરોઈન તરીકે પસંદ કરી હતી. તેઓ મોનાલિસાને નેપાળ લઈ ગયા હતા, જ્યાં તેને એક્ટિંગ અને અભ્યાસની સુવિધા પણ પૂરી પાડી હતી. જોકે, હવે આ સંબંધો અત્યંત કડવાશભર્યા વળાંક પર આવીને ઉભા રહ્યા છે.





