પંજાબમાં આવેલા પૂરથી સ્થિતિ બગડી ગઈ છે અને અનેક વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ છે. આવી ગંભીર પરિસ્થિતિમાં બોલિવૂડ તથા પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો મદદ માટે આગળ આવ્યા છે.
સલમાન ખાનનો મોટો નિર્ણય
સલમાન ખાનના 'બીઇંગ હ્યુમન' ફાઉન્ડેશન દ્વારા બચાવ કામગીરી માટે પાંચ બોટ મોકલવામાં આવી છે. પંજાબ ટુરિઝમના ચેરમેન દીપક બાલીએ ફિરોઝપુર ગામની મુલાકાત લઈને આ બોટ વહીવટીતંત્રને સોંપી હતી. તેમાંની બે બોટ ફિરોઝપુર સરહદે જિલ્લા તંત્રને આપવામાં આવી હતી, જ્યારે ત્રણ બોટ રાજ્યના અન્ય વિસ્તારોમાં બચાવ કામગીરી માટે વપરાશે.
દીપક બાલીએ વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ સલમાન ખાન ઘણા ગામોને દત્તક લેશે અને તેમના વિકાસમાં યોગદાન આપશે.
સોનુ સૂદ મેદાનમાં
એક્ટર સોનુ સૂદ ખુદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને લખ્યું:
"પંજાબ સાથે હંમેશા છીએ. અહીંના લોકોનો દુખ, નુકસાન અને અડગ હિંમત અમે પોતાની આંખે જોઈ. ગામડાઓ પાણીમાં ગરકાવ થયા, જીવન ખોવાયું, પરંતુ આશા હજી જિંદા છે. પંજાબને જે કંઈ જોઈએ, અમે અહીં છીએ – મદદ કરવા, પુનઃનિર્માણ કરવા અને ઘાવ મટાડવા."
અક્ષય કુમારની નાણાકીય મદદ
એક્ટર અક્ષય કુમારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને સહાયરૂપ થવા માટે ₹5 કરોડની મદદની જાહેરાત કરી છે. આ રકમ રાહત સામગ્રી અને જરૂરી સગવડો ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
અક્ષય ઉપરાંત રણદીપ હુડા અને અન્ય કલાકારો પણ મદદ માટે આગળ આવ્યા છે.