Malayalam Actor Navya Nair fined for Carrying Jasmine Flowers: મલયાલમ ફિલ્મ અભિનેત્રી નવ્યા નાયર માટે ઓણમનો તહેવાર થોડો વધુ યાદગાર રહી ગયો — કારણ કે ઓસ્ટ્રેલિયામાં માત્ર એક નાનકડા જાસ્મીનના ગજરા માટે તેમણે લગભગ ₹1.14 લાખનો (AUD 1,980) દંડ ચૂકવો પડ્યો.
નવ્યા નાયરે આ ઘટનાનો ખુલાસો ઓણમ પ્રસંગે મેલબર્નમાં મલયાલી સમુદાય માટેના કાર્યક્રમ દરમિયાન કર્યો. તેમણે કહ્યુ કે તેમના પિતાએ પ્રેમથી બનાવેલો 15 સેન્ટીમીટરનો જાસ્મીન ગજરો તેમણે બેગમાં રાખ્યો હતો, જેથી ઓણમના દિવસે પહેરી શકે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આવી વનસ્પતિઓનું લાવવું કાયદેસર નથી. પરિણામે, મેલબર્ન એરપોર્ટ પર આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો. તેમણે ઉમેર્યું કે – "મેં અજાણતા ભૂલ કરી, પરંતુ કાયદો અજાણ હોવું બહુ મોટું કારણ નહીં બને."
શા માટે છે આવા કડક કાયદા?
આ પ્રકારના કડક બાયોસિક્યુરિટી નિયમોનું મુખ્ય હેતુ એ છે કે અન્ય દેશો તરફથી આવતી બિનમૂળની ફૂલો, છોડ, બીજ કે ફળ દ્વારા કોઈ ખતરનાક જીવાતો કે રોગોથી સ્થાનિક કૃષિ અને પર્યાવરણીય તંત્રને નુકસાન ન પહોંચે.
વિશ્વભરમાં ક્યાં છે આવા નિયમો?
ઓસ્ટ્રેલિયા:
ફૂલ, બીજ કે છોડ બિનજાહેર રીતે લાવવાથી AUD 5,500 (₹3 લાખથી વધુ) સુધીનો દંડ થઈ શકે છે. ક્યારેક વિઝા પણ રદ થાય છે.
ન્યૂઝીલેન્ડ:
અહીં પણ કડક નિયમો છે. એક કિસ્સામાં પ્રવાસીને NZD 3,300 (₹1.6 લાખ) નો દંડ ફટકારાયો હતો.
અમેરિકા:
થોડુંક ઢીલું છે, પણ કોઈપણ ફૂલ-છોડ લાવતી વખતે તેને જાહેર કરવું ફરજીયાત છે. જો જાહેર ન કરવામાં આવે, તો તાત્કાલિક દંડ થઈ શકે છે.
યુરોપિયન યુનિયન (EU):
EU દેશમાં ફૂલો કે છોડ લાવવા માટે ખાસ Phytosanitary Certificate હોવું જરૂરી છે.
કેનડા:
સ્થાનિક ફ્લાઈટમાં છૂટ છે, પણ આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં ફૂલ/છોડ માટે દસ્તાવેજો ફરજીયાત છે.
શું શીખવા જેવું છે?
ફૂલો કે છોડ જેટલાં નિર્દોષ લાગે છે, એટલાં તેઓ ક્યારેક પર્યાવરણ માટે જોખમી થઈ શકે છે. મુસાફરી કરતા પહેલા જે દેશમાં જવું હોય, તેના બાયોસિક્યુરિટી નિયમો ચોક્કસ ચેક કરો. નાનું લાગે એવું ફૂલ પણ ક્યારેક મોટી સમસ્યા સર્જી શકે છે – એક નાનકડું ગજરો પણ "સોનાથી મોંઘો" પડી શકે છે!