મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને દિગ્ગજ લેખક સલીમ ખાન છેલ્લા 9 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ગત મંગળવારે તેમને માઇનર બ્રેન હેમરેજ થયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ ICUમાં છે. ચાહકો અને બોલિવૂડ જગત તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. સલમાન ખાન સહિત આખો પરિવાર અત્યારે હોસ્પિટલમાં તેમની સાથે છે.
મળતી માહિતી અનુસાર, બોલિવૂડના લેખક જગતના ભીષ્મ પિતામહ ગણાતા સલીમ ખાન (90 વર્ષ) ની તબિયતને લઈને ફેન્સ ચિંતિત છે. 17 ફેબ્રુઆરીના રોજ અચાનક તબિયત બગડતા તેમને લીલાવતી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ તરફથી મળેલી છેલ્લી માહિતી મુજબ તેમની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ પણ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.
કેમ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા? ડોક્ટરોનો ખુલાસો
લીલાવતી હોસ્પિટલના જાણીતા ડો. જલીલ પારકરે જણાવ્યું હતું કે, સલીમ ખાનને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનું બ્લડ પ્રેશર ઘણું ઊંચું હતું. તપાસ બાદ ખબર પડી કે તેમને માઇનર બ્રેન હેમરેજ (Minor Brain Hemorrhage) થયું છે. તેમની વયને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
સલીમ ખાનની થઈ સફળ સર્જરી
ડોક્ટરોની ટીમમાં ન્યુરોસર્જન ડો. નીતિન ડાંગે, કાર્ડિયોલોજિસ્ટ ડો. અજીત મેનન અને ન્યુરોલોજિસ્ટ ડો. વિનય ચૌહાણ સામેલ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સલીમ ખાન પર DSA (Digital Subtraction Angiography) નામની એક મહત્વની પ્રક્રિયા કરવામાં આવી છે, જે સફળ રહી છે. બ્રેન હેમરેજની સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે અને તેમાં વધુ મોટી સર્જરીની જરૂર જણાઈ નથી.
સલમાન ખાન અને પરિવાર હોસ્પિટલમાં હાજર
સલીમ ખાનની તબિયત બગડતા જ પુત્ર સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન સતત હોસ્પિટલમાં હાજરી આપી રહ્યા છે. આ સિવાય હેલન, સલમા ખાન અને પુત્રીઓ અર્પિતા-અલવીરા પણ પિતાની સંભાળ રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાન તેના પિતાની પ્રાઇવસીને લઈને ખૂબ જ ગંભીર છે અને તેણે હોસ્પિટલને વારંવાર હેલ્થ બુલેટિન જાહેર ન કરવા વિનંતી કરી છે.
બોલિવૂડ સિતારાઓનો જમાવડો
સલીમ ખાનના સમાચાર મળતા જ શાહરૂખ ખાન, આમિર ખાન, રણવીર સિંહ, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને મધુર ભંડારકર જેવા મોટા કલાકારો લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. સલીમ ખાનના જૂના સાથી જાવેદ અખ્તર પણ દરરોજ તેમની મુલાકાત લઈ રહ્યા છે.
ક્યારે મળશે હોસ્પિટલમાંથી રજા?
અગાઉ એવી અટકળો હતી કે સોમવાર સુધીમાં સલીમ ખાનને રજા મળી જશે, પરંતુ ડોક્ટરો હજુ પણ તેમની રિકવરી પર નજર રાખી રહ્યા છે. 90 વર્ષની ઉંમર હોવાને કારણે ડોક્ટરો કોઈ જોખમ લેવા માંગતા નથી. જો બધું બરાબર રહ્યું તો આગામી 2-3 દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.




















