logo-img
Sahitya Gaurav Puraskar 2024 Awarded To Praveen Darji And Mavji Maheshwari

સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024 : ગુજરાતી ભાષા માટે પ્રવીણ દરજીને તથા કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરીને એનાયત થયો

સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024
Published by: Offbeat Team
| Last Updated: Feb 21, 2026, 03:54 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતૃભાષા દિવસની ગરિમામય ઉજવણીમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, માતૃભાષાના ગૌરવ ગાન સાથે અન્ય ભાષાઓ પ્રત્યેનો આદર એ જ આપણી સંસ્કૃતિની અભિવ્યક્તિ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણી માતૃભાષા “અ”થી શરૂ થઈને સૌથી ટોપ પર “જ્ઞ” એટલે કે, જ્ઞાન સુધી વિસ્તરી છે. હૃદયના ભાવ અને સંવેદનાઓને ભાષાથી પ્રગટ કરવાનો આપણો પ્રયાસ માતૃભાષાના આવા સમૃદ્ધ જ્ઞાન દ્વારા જ વ્યક્ત થઈ શકે છે. આપણી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખી આગામી પેઢી સુધી પહોંચાડવી એ સમયની માંગ છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજાયેલા માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કરવાનાં આવસરે રમતગમત, યુવક સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્ય મંત્રી ડો.જયરામ ગામીતની ઉપસ્થિતીમાં સંબોધન કરી રહ્યા હતા. “મા, માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ જોટો જડે તેમ નથી” એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કથનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી કહ્યું કે, માતૃભાષાનું ગૌરવ કરનારો કોઈ પણ વ્યક્તિ તેમના માટે ગૌરવરૂપ છે.

ગૌરવ પુરસ્કાર પ્રવીણ દરજીને તથા કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરીને એનાયત

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2024ના વર્ષ માટેનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે પ્રવીણ દરજીને તથા કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરીને એનાયત કર્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા લેખકો-સાહિત્યકારોને અપાતા યુવા ગૌરવ પુરસ્કાર અન્વયે અજય સોની અને દિપક નંદાને 2024ના વર્ષ માટેના ગુજરાતી તથા કચ્છી ભાષા સાહિત્ય માટેના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ માતૃભાષાને સામૂહિક અસ્તિત્વ અને સ્વાભિમાનનું પ્રતિક ગણાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓમાં આવું જ સ્વાભિમાન સોમનાથ સ્વાભિમાન પર્વ અને વિરાસતો તથા સંસ્કૃતિના પૂનરૂત્થાનથી જગાવ્યું છે.

51 જેટલા પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું

તેમણે વિકસિત ભારત 2047 માટેના વડાપ્રધાનના વિઝનમાં પણ સંસ્કૃતિ, ભાષા અને જ્ઞાન પરંપરાના વિશેષ સ્થાનનો ઉલ્લેખ કર્યો હતો. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણથી લીડ લેવા માતૃભાષા અને સંસ્કૃતિના જતન સંવર્ધનથી યોગદાન આપવા મુખ્યમંત્રીએ સૌ માતૃભાષા પ્રેમીઓ, સાહિત્યરસિકો, લેખકો, સર્જકો અને પ્રબુદ્ધ નાગરિકોને આહવાન કર્યું હતું. આ તકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એક સાથે 51 જેટલા પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ ડૉ. રાહુલ ગુપ્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સુપ્રસિદ્ધ સાહિત્યકાર માધવ રામાનુજ, સંગીતકાર શ્યામલ-સૌમિલ મુનશી અને સુ. આરતી મુનશી તથા સાહિત્યકાર તુષારભાઈ શુક્લ અને લોકગાયક કીર્તિદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં સાહિત્યકારો, ભાષાપ્રેમીઓ અને સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now