ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના સહસપુર (વિકાસનગર) વિસ્તારમાં ખેતરમાં સિંચાઈના પાણીની વહેંચણી જેવા સામાન્ય મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટનામાં પરિવારના અન્ય સભ્યો પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રને વિશેષ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે.
પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, મૃતક વિનોદ કુમાર અને તેમના પાડોશી ઇમ્તિયાઝ વચ્ચે લાંબા સમયથી ખેતરમાં પાણીના સપ્લાયને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. શનિવારે સાંજે આશરે 6 વાગ્યે આ વિવાદ ફરી ઉગ્ર બન્યો અને બાદમાં હિંસક અથડામણમાં ફેરવાયો.
ઘર સુધી પહોંચ્યો વિવાદ, જીવલેણ હુમલાના આરોપ
મૃતકના ભાઈ અને ફરિયાદી અશોક કુમારે પોલીસને આપેલા નિવેદનમાં આરોપ મૂક્યો છે કે વિવાદ બાદ ઇમ્તિયાઝ અને તેના સાથીદારો લાકડીઓ, લાકડાના પાટિયા અને હથોડા જેવા હથિયારો સાથે તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર હુમલો એટલો ગંભીર હતો કે વિનોદ કુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની જીવ બચાવી શકાયો નહોતો. અશોક કુમાર સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો હાલ સારવાર હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે.
વીજ ટાવર વળતર, MSP અને પોલીસ દમનના મુદ્દે ખેડૂતોનો રોષ: સુરતથી ગાંધીનગર માટે ‘ખેડૂત અધિકાર યાત્રા’ શરૂ
12 નામજોગ આરોપીઓ સહિત મોટી ભીડ સામે કેસ
સહસપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર પોલીસે 12 નામજોગ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં રઝાક, ઇમ્તિયાઝ, અમન, યુનુસ, શાહબાઝ, શરાફત અલી, માસૂમ, આદિલ, શામૂન, સલમાન, જાવેદ અને ઇન્તઝારના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફરિયાદમાં આશરે 30થી 35 અજ્ઞાત લોકોની ભીડ પણ હુમલામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા તમામ લોકોની ઓળખ માટે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
ગંભીર કલમો હેઠળ FIR
પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ગંભીર જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. તેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો અને અન્ય સંબંધિત ગુનાઓની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તપાસ અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સાક્ષીઓના નિવેદનો અને ઉપલબ્ધ વીડિયો ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ઘર સફાઈના બહાને લાખોની ચોરી: વૃદ્ધાના ઘરમાંથી 3.75 લાખના દાગીના ગાયબ
ઘટનાને લઈને વિસ્તારમાં તણાવ
યુવકના મોતના સમાચાર ફેલાતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શન અને નારેબાજી પણ થઈ હોવાનું જણાવવામાં આવે છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે.
સોશિયલ મીડિયા પર પણ ઘટનાને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જોકે, તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ અપ્રમાણિત માહિતી શેર ન કરવાની અપીલ કરી છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ચાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, બે સર્કલ ઓફિસર અને એસપી ક્રાઇમ સ્તરના અધિકારીઓને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
સહસપુરના સર્કલ ઓફિસર અનુજ કુમારે જણાવ્યું છે કે વિસ્તારની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ કેટલાક વીડિયો અને ઉશ્કેરણીજનક ભાષણોની માહિતી પણ પોલીસ સુધી પહોંચી છે, જેની તપાસ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હાલ પોલીસની પ્રથમ પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે.
અફવાઓથી દૂર રહેવાની અપીલ
આ સમગ્ર ઘટના વચ્ચે તંત્ર અને પોલીસ દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને કોઈ પણ સમુદાય અથવા જૂથ અંગે અપ્રમાણિત દાવાઓને પ્રોત્સાહન ન આપવા અપીલ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદાર લોકો અંગે સ્પષ્ટતા થઈ શકશે.
હાલમાં કેસની તપાસ ચાલુ છે અને આરોપીઓની ધરપકડ તથા અન્ય કાનૂની કાર્યવાહી અંગેની વધુ માહિતી આગામી દિવસોમાં સામે આવી શકે છે.





