Home International Sachin Pilot Expresses Concern Over Deepfake Ai Video And Pakistani Propaganda

સચિન પાયલોટની ફેક AI વીડિયો : ભારત-પાકિસ્તાનના સંબંધનો કર્યો ઉલ્લેખ, કૉંગ્રેસના નેતાનું નિવેદન

સચિન પાયલોટની ફેક AI વીડિયો
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 05:22 PM IST

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે હાલમાં ટેકનોલોજીના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદથી બનાવેલા તેમના એક બનાવટી વીડિયોને લઈને તેમણે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું કે ફેક એઆઈ વીડિયોને ઓળખવા હજુ મુશ્કેલ છે અને આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. આ મામલે તેમણે ડી ઈન્ટેન્ટ ડેટા નામની સંસ્થાની એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં અસલી અને નકલી વીડિયો વચ્ચેનો તફાવત અને તેની પાછળનું સત્ય સમજાવવામાં આવ્યું છે.

ડી ઈન્ટેન્ટ ડેટા દ્વારા સચિન પાયલટના આ વીડિયોનું વિશ્લેષણ કરતા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમના રિપોર્ટ મુજબ કેટલાક પાકિસ્તાની પ્રોપોગેન્ડા એકાઉન્ટ્સ દ્વારા ભારતીય નેતા સચિન પાયલટનો એક ડિજિટલી એડિટ કરેલો વીડિયો જાણી જોઈને ફેલાવવામાં આવી રહ્યો છે. આ ફેક વીડિયોમાં એવો ખોટો દાવો કરવામાં આવ્યો છે કે પાયલટ ઓક્સફોર્ડ યુનિયન ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડિબેટ માટે તૈયાર હતા પરંતુ મોદી સરકારના દબાણને કારણે તેમણે પીછેહઠ કરવી પડી છે. ફેક્ટ ચેકમાં સ્પષ્ટ થયું છે કે આ તમામ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને મનઘડંત છે અને ભારત વિરુદ્ધના દુષ્પ્રચાર અભિયાનના ભાગરૂપે આ બનાવટી વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોનું સત્ય કંઈક અલગ જ છે. સચિન પાયલટનો જે ઓરિજિનલ વીડિયો છે તેમાં તેઓ કોઈ આંતરરાષ્ટ્રીય ડિબેટની નહીં પરંતુ એનએસયુઆઈ રાજસ્થાનના પ્રમુખ વિનોદ જાખડ વિશે વાત કરી રહ્યા છે. અસલ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે હું જેલમાં બંધ વિનોદ જાખડને મળવા માંગતો હતો. યુનિવર્સિટીમાં આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમનો વિનોદ જાખડે વિરોધ કર્યો હતો અને તેના કારણે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી તથા તેમના પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

વાસ્તવિક વીડિયોમાં કોંગ્રેસ નેતા આગળ એવું કહેતા સંભળાય છે કે વિનોદ જાખડ એક દલિત પરિવારમાંથી આવતા હોવાથી તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાયલટે જણાવ્યું કે તેમણે જેલમાં જઈને વિનોદને મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રશાસને તેમને મળવા દીધા ન હતા. તેમણે ભારતીય ન્યાયતંત્ર પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે અમને ચોક્કસ ન્યાય મળશે પરંતુ કોઈને ટાર્ગેટ કરીને હેરાનગતિ કરવી કે યાતના આપવી તે લોકશાહીમાં અયોગ્ય છે. આમ પાકિસ્તાની તત્વો દ્વારા ભારતીય નેતાના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now