Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ પોળો ફોરેસ્ટ ખાતે રવિવારે એક દુઃખદ ઘટના સામે આવી છે. પોળો ફોરેસ્ટમાંથી પસાર થતી હરણાવ નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોમાંથી બેના ડૂબી જવાથી મોત નીપજ્યા, જ્યારે ત્રીજા યુવકનો સમયસર બચાવ થતાં તેનો જીવ બચી ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને પર્યટકોમાં પણ ભય ફેલાયો છે.
અરવલ્લીના ટીંટોઈ વિસ્તારથી ફરવા આવેલા ત્રણ મિત્રો નદીમાં ઉતર્યા
પ્રાથમિક માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના ટીંટોઈ વિસ્તારના ત્રણ યુવકો રજાનો દિવસ માણવા માટે વિજયનગરના પોળો ફોરેસ્ટ ખાતે આવ્યા હતા. કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યા બાદ ત્રણેય મિત્રો હરણાવ નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જોકે નદીના ઊંડા પાણી અને પ્રવાહનો અંદાજ ન આવતાં ત્રણેય યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા.
એક યુવકને સ્થાનિકોની મદદથી બચાવાયો, બેને બચાવી શકાયા નહીં
યુવકો ડૂબતા હોવાની જાણ થતાં આસપાસ હાજર લોકો અને સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ એક યુવકને સલામત રીતે નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે બાકીના બે યુવકો પાણીમાં તણાઈ જતા તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ફાયર બ્રિગેડે સર્ચ ઓપરેશન ચલાવી બંને મૃતદેહ બહાર કાઢ્યા
ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમે હરણાવ નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. લાંબી શોધખોળ બાદ બંને યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.
વિજયનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
વિજયનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. યુવકો નદીમાં કેવી રીતે ડૂબ્યા, સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે નહીં અને અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ : માત્ર 1 કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવી રચ્યો કીર્તિમાન, AMC અને 25 હજાર વોલેન્ટિયર્સે મિયાવાકી પદ્ધતિથી રચ્યો વિશ્વવિક્રમ
ચોમાસામાં નદી-ધોધ પાસે સાવચેતી રાખવાની તંત્રની અપીલ
ચોમાસાની ઋતુ દરમિયાન પોળો ફોરેસ્ટ સહિતના પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. વરસાદને કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ અને ઊંડાણ અચાનક વધી જતું હોવાથી તંત્ર દ્વારા પર્યટકોને નદીમાં ઉતરતા પહેલાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને અજાણ્યા સ્થળોએ ન્હાવાનું ટાળવું અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવું જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.





