Home Gujarat Ahmedabad Ahmedabad Guinness World Record 3 61 Lakh Tree Plantation Miyawaki Amc

અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ : માત્ર 1 કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવી રચ્યો કીર્તિમાન, AMC અને 25 હજાર વોલેન્ટિયર્સે મિયાવાકી પદ્ધતિથી રચ્યો વિશ્વવિક્રમ

અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વાવેતર
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 12, 2026, 03:04 PM IST

Ahmedabad News : અમદાવાદ શહેરે પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ભાડજ ખાતે આયોજિત મેગા વૃક્ષારોપણ અભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી માત્ર એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વાવેતર કરીને Guinness World Record સ્થાપિત કરવામાં આવ્યો છે. આ વિશ્વવિક્રમ સાથે અમદાવાદે વૈશ્વિક સ્તરે હરિયાળા શહેર તરીકે નવી ઓળખ ઉભી કરી છે. આ અભિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહના હરિયાળી લોકસભા વિસ્તારના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


ગાંધીનગર લોકસભાને હરિયાળી વિસ્તાર બનાવવાના સંકલ્પને મળ્યો નવો વેગ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળું અને પર્યાવરણમૈત્રી વિસ્તાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તે જ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું છે. સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો વાવવાનો અને AMC દ્વારા શહેરમાં 50 લાખ વૃક્ષો રોપવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાન માત્ર આંકડાઓ પૂરતું નહીં પરંતુ આગામી પેઢીઓને વધુ સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવા માટેની લાંબા ગાળાની પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ભાડજમાં 76 હજાર ચોરસ મીટર વિસ્તારમાં સર્જાયો હરિયાળો વિશ્વવિક્રમ

ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડ અંતર્ગત ગોતા-ગોધવી કેનાલ પાસે આવેલા ભાડજ વિસ્તારમાં આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી 76,000 ચોરસ મીટર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. માત્ર એક કલાકના સમયગાળામાં 35 જેટલી સ્થાનિક (Indigenous) પ્રજાતિના 3.61 લાખ રોપાઓનું વાવેતર કરીને વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો. મિયાવાકી પદ્ધતિ હેઠળ ઓછા વિસ્તારમાં વધુ ઘનતા સાથે વૃક્ષો વાવવામાં આવતા હોવાથી ટૂંકા સમયમાં જ હરિયાળો જંગલ વિકસે છે.

મુખ્યમંત્રીથી લઈને મેયર સુધી અનેક મહાનુભાવો બન્યા સાક્ષી

આ ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ, શહેરી વિકાસ વિભાગના પ્રતિનિધિઓ, અમદાવાદના મેયર, મુખ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર તેમજ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણી, ગ્રીન કવર વધારવા અને ટકાઉ વિકાસ માટે સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

25 હજારથી વધુ લોકોની ભાગીદારીથી સફળ બન્યું મહાઅભિયાન

આ અભિયાનને સફળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત 25 હજારથી વધુ વોલેન્ટિયર્સ જોડાયા હતા. BAPS સંસ્થા, CREDAI, NCCના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગ, સ્કૂલ બોર્ડ, વિવિધ એનજીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને હજારો નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આટલી વિશાળ જનભાગીદારીને કારણે અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ ન રહી જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી શક્યું.

સ્થાનિક પ્રજાતિના વૃક્ષોથી વધશે જૈવ વૈવિધ્ય અને ઘટશે પ્રદૂષણ

અભિયાનમાં વાવવામાં આવેલા તમામ રોપાઓ સ્થાનિક પ્રજાતિના હોવાથી તે વિસ્તારની આબોહવા માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. આ વૃક્ષો ભવિષ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા, કાર્બન ડાયોક્સાઇડ શોષવામાં, તાપમાન નિયંત્રણ, ભૂગર્ભ જળ સંવર્ધન અને જૈવ વૈવિધ્ય જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. શહેરમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસો સાથે આ અભિયાન ક્લાઈમેટ ચેન્જ સામે લડવાની દિશામાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

હરિયાળા અને ટકાઉ અમદાવાદ માટે AMCનો સતત પ્રયાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં હરિયાળી વધારવા માટે વિવિધ પર્યાવરણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે. ઓક્સિજન પાર્ક, ગ્રીન કોરિડોર, સરકારી જમીનો પર વૃક્ષારોપણ અને જાહેર ભાગીદારી જેવા અનેક પ્રયાસો દ્વારા શહેરને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડની આ સિદ્ધિ AMCના લાંબા ગાળાના ગ્રીન વિઝનની મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને બનાવ્યા ઉમેદવાર

વિશ્વવિક્રમ સાથે અમદાવાદે વિશ્વ સમક્ષ રજૂ કર્યું હરિયાળા વિકાસનું મોડેલ

આ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માત્ર એક આંકડાકીય સિદ્ધિ નથી, પરંતુ જનભાગીદારી, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ શહેરી વિકાસનું જીવંત ઉદાહરણ છે. શહેરના હજારો નાગરિકોએ એકસાથે મળીને જે હરિયાળો ઇતિહાસ રચ્યો છે તે અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બનશે. અમદાવાદે આ સિદ્ધિ સાથે વિશ્વ સમક્ષ એ સંદેશ આપ્યો છે કે વિકાસ અને પર્યાવરણનું સંતુલન જાળવીને પણ વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now