Home Gujarat Round Of Transfers In Vadodara City Police

વડોદરા શહેર પોલીસમાં બદલીઓનો દૌર : 9 PI સહિત 11 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

વડોદરા શહેર પોલીસમાં બદલીઓનો દૌર
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 04:13 AM IST

વડોદરા શહેર પોલીસ વિભાગમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલી આંતરિક બદલીઓનો અંત આવ્યો છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે એક સાથે 9 પોલીસ ઇન્સ્પેક્ટર (પી.આઇ) તથા 11 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ જાહેર કરતાં પોલીસ તંત્રમાં હલચલ જોવા મળી હતી. ઘણા સમયથી શહેર પોલીસમાં બદલીની રાહ જોવાઈ રહી હતી, ત્યારે અચાનક બહાર પડેલા આ આદેશથી વિવિધ પોલીસ સ્ટેશન અને શાખાઓમાં નવી જવાબદારીઓ નક્કી થઈ છે.

વડોદરા શહેર પોલીસમાં મોટો ફેરફાર

જાહેર કરાયેલા હુકમ મુજબ પી.સી.બીના ઇન્સ્પેક્ટર પી.એમ. ધાખડાને મિસિંગ સેલમાં મુકવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસાવાને વારસીયા પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક શાખા (પૂર્વ)માં બદલી આપવામાં આવી છે, જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી. મકવાણાને વારસીયા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પી.આઇ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પરમારને સાયબર ક્રાઇમ શાખામાં ખસેડવામાં આવ્યા છે.

9 પી.આઇ સહિત 11 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

પાણીગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઇ તરીકે ફરજ બજાવતા બી.બી. પટેલને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પી.આઇ તરીકે મુકાયા છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના એમ.ડી. ચૌધરીને મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશનના એચ.એલ. જોષીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પી.આઇ તરીકે નવી જવાબદારી મળી છે. મકરપુરા સેકન્ડ પી.આઇ તરીકે ફરજ બજાવતા ગાયત્રી રાજપુતને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ખસેડાયા છે, જ્યારે ડીસીબીના એન.જી. જાડેજાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પી.આઇ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

આ ઉપરાંત 11 પોલીસ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે. એસ.ઓ.જીમાંથી હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ નારણસિંહને માંજલપુર અને પૃથ્વીરાજસિંહ રણમલસિંહને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મોકલાયા છે. અ. હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર લોટનને જવાહરનગર તથા મોહમદ હસન મોહમદ હનીફને નંદેસરી પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. પી.સી.બીમાંથી એ.એસ.આઇ દિપેશ નરેશસિંહને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, દેવેન્દ્ર ચંદ્રકાંતને કારેલીબાગ અને સંજય અવનિંદ્રભાઇને રાવપુરા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. તેમજ અન્ય કર્મચારીઓને મકરપુરા, બાપોદ, જે.પી. રોડ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નવી ફરજ સોંપવામાં આવી છે. આ આંતરિક બદલીઓથી શહેર પોલીસની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now