Rolls-Royce : વિશ્વભરમાં લક્ઝરી કાર માટે જાણીતી રોલ્સ-રોયસે (Rolls-Royce) પોતાની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક કોચબિલ્ટ કન્વર્ટિબલ કાર 'પ્રોજેક્ટ નાઇટિંગેલ' પરથી પડદો ઉઠાવ્યો છે. આ કાર માત્ર લક્ઝરી જ નહીં, પણ ટેકનોલોજી અને ઈતિહાસનું અદભૂત કોમ્બિનેશન છે. રોલ્સ-રોયસના નવા કોચબિલ્ડ કલેક્શન પ્રોગ્રામ હેઠળ આ પ્રથમ વાહન છે, જે ખાસ કરીને દુનિયાના ટોચના કલેક્ટર્સની પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
પાવરફુલ પરફોર્મન્સ
પ્રોજેક્ટ નાઇટિંગેલના મિકેનિકલ પાવરની વાત કરીએ તો, આ કાર કંપનીની ફેમસ ઇલેક્ટ્રિક કાર 'સ્પેક્ટર' (Spectre) ના પ્લેટફોર્મ પર આધારિત છે. આમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ આપવામાં આવી છે, જે 577hp નો પાવર જનરેટ કરે છે. જોકે, આ સ્પેશિયલ એડિશન હોવાથી તેમાં વધુ પાવર મળે તેવી પણ શક્યતા છે. આ એક પ્યોર ઇલેક્ટ્રિક પાવરટ્રેન ધરાવતી ટુ-સીટર કાર છે.
રેટ્રો અને મોર્ડન ડિઝાઇન
આ કારની ડિઝાઇન 1920 અને 1930 ના દાયકાની 'આર્ટ ડેકો' સ્ટાઇલથી પ્રેરિત છે. કારના આગળના ભાગમાં V-આકારનું બોનેટ અને રોલ્સ-રોયસની અત્યાર સુધીની સૌથી પહોળી (3 ફૂટથી વધુ) 'પેન્થિઓન ગ્રિલ' આપવામાં આવી છે. સામાન્ય કારમાં હેડલાઇટ્સ આડી હોય છે, પરંતુ આમાં ખાસ ઊભી (વર્ટિકલ) હેડલાઇટ્સ છે. આ ઉપરાંત, તેમાં 24-ઇંચના વિશાળ વ્હીલ્સ છે, જે અત્યાર સુધી કોઈ પણ રોલ્સ-રોયસ કારમાં જોવા મળ્યા નથી.
તારાઓથી ભરેલું કેબિન
કારનું ઇન્ટિરિયર કોઈ પેલેસથી ઓછું નથી. તેના કેબિનમાં સ્ટારલાઇટ બ્રિઝ સ્યુટ આપવામાં આવ્યું છે, જેમાં 10,500 નાની LED લાઇટ્સ લગાવવામાં આવી છે. આ લાઇટ્સ પક્ષીઓના અવાજની પેટર્નમાં ચમકે છે, જે ડ્રાઇવર અને પેસેન્જરને અદભૂત એક્સપિરિયન્સ કરાવે છે. ઇન્ટિરિયરમાં ચાર્લ્સ બ્લુ લેધર અને કાળા લાકડાનું ફિનિશિંગ આપવામાં આવ્યું છે, જે તેની રોયલ્ટીમાં વધારો કરે છે.
વિન્ટેજ ટચ અને કમ્ફર્ટ
આજકાલની કારમાં ટચસ્ક્રીનનો જમાનો છે, પરંતુ રોલ્સ-રોયસે આ મોડલમાં જૂની સ્ટાઇલના ફિઝિકલ બટનો રાખ્યા છે. આનાથી ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરનું ધ્યાન ભટકતું નથી અને ક્લાસિક ફીલ મળે છે. કારની રૂફ બનાવવા માટે કાશ્મીરી અને ખાસ ફેબ્રિકનો ઉપયોગ થયો છે, જેથી અંદર બહારનો જરા પણ અવાજ ન આવે.
લિમિટેડ એડિશન અને ડિલિવરી
રોલ્સ-રોયસ આ ખાસ 'પ્રોજેક્ટ નાઇટિંગેલ' ના માત્ર 100 યુનિટ જ બનાવશે. આ કારનું નામ કંપનીના સ્થાપક હેનરી રોયસના ફ્રેન્ચ વિલા પરથી રાખવામાં આવ્યું છે. આ લક્ઝરી ઇલેક્ટ્રિક કારની ડિલિવરી 2028 થી શરૂ થવાની અપેક્ષા છે.





