Home Gujarat Robbery That Took Place In Dalpur Prantij Sabarkantha Has Been Solved

પ્રાંતિજના દલપુરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો : 6 આરોપી ઝડપાયા, આંખમાં મરચું નાખી ચલાવી હતી લૂંટ

પ્રાંતિજના દલપુરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 02:23 PM IST

Prantij Robbery Case : પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ બનેલી લૂંટની ગંભીર ઘટનામાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહેલા બાઈક સવાર એક ફાઇનાન્સ એજન્ટને લૂંટારુઓએ આંખમાં મરચું નાખી અને માથામાં લાકડી મારી નીચે પાડી દીધા હતા, ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા 7,88,000 ની રોકડ રકમ ભરેલી બેગ લૂંટી લીધી હતી. ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમોએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

બાતમીના આધારે લૂંટારુઓનું પગેરું પોલીસે શોધી કાઢ્યું

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે લૂંટારુઓનું પગેરું શોધી કાઢ્યું હતું. તપાસના અંતે પોલીસે પ્રાંતિજ તાલુકાના કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 9,88,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓએ પ્રાંતિજની ફાઇનાન્સ પેઢીના એજન્ટની પૂર્વથી રેકી કરી હતી અને લૂંટનું આયોજન કર્યું હતું. રાત્રિના સમયે બાઈક પર ફરિયાદીની આગળ પાછળ ફરી યોગ્ય મોકો જોઈને આંખમાં મરચું નાખી માથામાં લાકડી ફટકારી ગંભીર ઇજાઓ પહોંચાડી તેમને જમીન પર પાડી દીધા હતા અને ત્યારબાદ રોકડ રકમ લૂંટી અંધારામાં ફરાર થઈ ગયા હતા.

આરોપીઓના નામ

પકડાયેલ આરોપીઓમાં મિતેષગીરી ઉર્ફે મીત્યો ઉર્ફે અકલો અશોકગીરી ઈશ્વરગીરી ગોસ્વામી (રહે. ઉંછા, તા. પ્રાંતિજ) જે ફરિયાદીની વોચ કરી લાકડી મારનાર હતો, સુરજસિંહ રણજીતસિંહ રામસિંહ મકવાણા (રહે. ઉંછા) જે ફરિયાદીનો થેલો ઝુંટવી લેનાર હતો, કુલદીપસિંહ ઉર્ફે પીન્ટો દીપસિંહ ખોડસિંહ મકવાણા (રહે. ઉંછા) જે ફરિયાદીની આંખમાં મરચું નાખનાર હતો, ભાવીકસિંહ વિરસંગજી રામાજી મકવાણા (રહે. ઉંછા) જે મરચું નાખવામાં સાથ આપનાર હતો, તેમજ મીહીલસિંહ ભરતસિંહ ખોડસિંહ મકવાણા (રહે. ઉંછા) અને હંસરાજગીરી પ્રવિણગીરી કેશવગીરી ગોસ્વામી (રહે. પોગલુ, ચકલાવાળો વાસ, તા. પ્રાંતિજ) જે બંને ફરિયાદીની માહિતી આપનાર હતા, તેમનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now