Home Gujarat Robbers Took A Family Hostage In Bhanpur Village Of Lunawada Looted It And Fled

લુણાવાડાના ભાણપુર ગામે લૂંટારુઓનો આતંક : પરિવારને ઊંધા લટકાવી બંધક બનાવી રોકડ અને દાગીનાની કરી લૂંટ

લુણાવાડાના  ભાણપુર ગામે લૂંટારુઓનો આતંક
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 05:03 PM IST

લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે મધરાતે બનેલી લૂંટની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. અજાણ્યા ચાર જેટલા લૂંટારુઓ વિનુભાઈ પટેલના મકાનમાં ઘૂસી પરિવારજનોને બંધક બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં મહીસાગર જિલ્લા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો રચી શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાણપુર ગામે રહેતા વિનુભાઈ પટેલ પરિવાર સાથે રોજની જેમ જમી પરવારીને મકાનમાં સૂઈ ગયા હતા. રાત્રે અંદાજે 12:30 વાગ્યાના અરસામાં લૂંટારુઓએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. દરવાજો તૂટવાનો અવાજ સાંભળતા જ પરિવારના સભ્યો જાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારુઓ ઘરમાં ઘૂસી ગયા હતા.

લૂંટારુઓએ ઘરના ત્રણ સભ્યોને બંધક બનાવી દીધા હતા અને મકાન માલિક વિનુભાઈ પટેલને ઉંધા લટકાવી અન્ય સ્થળે રાખેલા કિંમતી માલ સામાન અંગે માહિતી આપવા દબાણ કર્યું હતું. જોકે વિનુભાઈએ કોઈ માહિતી ન આપતા આરોપીઓએ તેમના પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બાદમાં લૂંટારુઓએ ઘરમાં હાજર લોકોના મોબાઇલ ફોન પણ કબજે કરી લીધા હતા જેથી તેઓ કોઈને જાણ ન કરી શકે.

આ ઘટનામાં લૂંટારુઓ અંદાજે દોઢ લાખ રૂપિયાની રોકડ અને લગભગ ચાર લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં મહીસાગર જિલ્લા પોલીસ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લૂંટારાઓને પકડવા માટે જિલ્લા તેમજ બહારની ટીમોને પણ સતર્ક કરવામાં આવી છે. પોલીસ ટેકનિકલ સોર્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈ રહી છે અને હાઈવે સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now