T20 World Cup 2026માં સેમીફાઈનલ સુધી પહોંચવામાં હવે ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતનો બેટ્સમેન રિંકુ સિંહ અચાનક ટૂર્નામેન્ટ છોડીને પરત ફર્યો છે. ચેન્નાઈના MA Chidambaram Stadium ખાતે મંગળવારે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિંકુ સિંહ સિવાયના તમામ ખેલાડીઓ મેદાન પર પરસેવો પાડતા જોવા મળ્યા હતા પરંતુ રિંકુ સિંહની ગેરહાજરીએ અનેક તર્કવિતર્ક સર્જ્યા હતા.
તાજા અહેવાલો મુજબ રિંકુ સિંહના પિતાની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થઈ છે. તેમના પિતાની તબિયત અત્યંત નાજુક હોવાના સમાચાર મળતા જ રિંકુ સિંહ તાત્કાલિક અસરથી ઉત્તર પ્રદેશના અલીગઢ જવા રવાના થયો છે. 28 વર્ષીય આ લેફ્ટહેન્ડ બેટ્સમેન ક્યારે ફરીથી ટીમ સાથે જોડાશે તે અંગે હજુ સુધી Team Indiaના મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. રિંકુ સિંહની ગેરહાજરી ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે.
26 ફેબ્રુઆરીના રોજ ઝિમ્બાબ્વે સામે જંગ
T20 World Cup 2026માં ભારતની આગામી ટક્કર ઝિમ્બાબ્વે સામે થવાની છે. ભલે ઝિમ્બાબ્વેની ટીમ નબળી જણાતી હોય પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેમણે Australia અને Sri Lanka જેવી દિગ્ગજ ટીમોને પરાજય આપીને સૌને ચોંકાવી દીધા છે. ભારત માટે આ મુકાબલો રન રેટના દૃષ્ટિકોણથી ઘણો મહત્વનો છે. ભારતે સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે આ મેચ મોટા અંતરથી જીતવી અનિવાર્ય છે.
અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે છે સ્થાન
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ મેચ ચેન્નાઈના MA Chidambaram Stadiumમાં ર રમાશે. અહીની પિચ હંમેશા સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે. જો રિંકુ સિંહ આગામી મેચ સુધી પરત નહીં ફરે તો પ્લેઈંગ ઈલેવનમાં અક્ષર પટેલનો સમાવેશ લગભગ નક્કી માનવામાં આવે છે. અક્ષર પટેલના ટીમમાં આવવાથી બેટિંગ લાઈનઅપ મજબૂત થશે અને કેપ્ટન પાસે બોલિંગમાં વધારાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. અગાઉની મેચોમાં અક્ષર પટેલને બદલે વૉશિંગટન સુંદરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું પરંતુ હવે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે.



















