Home Gujarat Registrars Notice To Baroda Dairy President And Vice President

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને રજિસ્ટ્રારની નોટિસ : 13 માર્ચે હાજર રહી સ્પષ્ટતા કરવા આદેશ

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને રજિસ્ટ્રારની નોટિસ
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 01:53 PM IST

વડોદરા : બરોડા ડેરીમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા વચ્ચે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એમ.પી. પંડ્યાએ બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ જી.બી. સોલંકીને 76(B/1) હેઠળ કારણદર્શક નોટિસ ફટકારી છે. ઓડિટ દરમિયાન સામે આવેલા કેટલાક ગેરરીતિના મુદ્દાઓને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઓડિટ રિપોર્ટમાં શું સામે આવ્યું?

મળતી માહિતી મુજબ, ડેરીમાં છેલ્લા સમયગાળામાં દૂધ ઉત્પાદન ઘટ્યું હોવાનું તેમજ દાણ ફેક્ટરીમાં પણ ઉત્પાદન ઘટ્યું હોવાનું ઓડિટમાં નોંધાયું છે. ઉપરાંત બોડેલી ખાતે આવેલા પ્લાન્ટમાં ઈ-ટેન્ડર પ્રક્રિયા વિના સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત પાંચ લાખ રૂપિયાથી વધુની ખરીદી ઈ-ટેન્ડર વગર કરવામાં આવી હોવાની બાબત પણ ઓડિટ રિપોર્ટમાં સામે આવી છે.

બંનેને 13 માર્ચ 2026 ના રોજ રૂબરૂ હાજર રહી પોતાનો પક્ષ રાખવાનો

આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં બંનેને 13 માર્ચ 2026 ના રોજ રૂબરૂ હાજર રહી પોતાના પક્ષમાં સ્પષ્ટતા રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો નિર્ધારિત તારીખે બંને હાજર રહી યોગ્ય ખુલાસો નહીં આપે તો તેમની સામે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. તેમાં તેમને પદ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજકીય અને પ્રશાસનિક સ્તરે ચર્ચાઓ શરૂ

ઉલ્લેખનીય છે કે, હાલ બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં પ્રમુખ દિનેશ પટેલ તથા ઉપપ્રમુખ જી.બી. સોલંકી બિનહરીફ જાહેર થયા છે. આવી સ્થિતિમાં ચૂંટણી વચ્ચે જ રજિસ્ટ્રાર દ્વારા નોટિસ ફટકારાતા સહકારી ક્ષેત્રમાં રાજકીય અને પ્રશાસનિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર મામલે હવે 13 માર્ચે બંને આગેવાનો શું સ્પષ્ટતા આપે છે અને રજિસ્ટ્રાર કઈ કાર્યવાહી કરે છે તે પર સૌની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now