Redevelopment of Vastrapur Lake : અમદાવાદ મ્યુનિસિપલ ક્રોપરોરેશન દ્વારા નાગરિકો માટે શહેરમાં તળાવો અને ગાર્ડન ડેવલપમેન્ટનું કામ જોરસોરમાં ચાલી રહ્યું છે. ત્યારે પશ્ચિમ અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુર તળાવનું 10 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરાયું છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન એરિયા સાથે તળાવને જોઈ શકાય તેવી ત્રણ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અહીં એન્ટર થતાની સાથે તમને આકર્ષક ફુવારાનો નજારો જોવા મળશે.
એન્ટ્રી ફી
આ બધુ જોઈને તમારા મનમાં વિચાર આવ્યો હશે કે વસ્ત્રાપુર તળાવમાં પ્રવેશ મેળવવા માટે ઘણા રૂપિયા ચૂકવવા પડશે?. પરંતુ તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી ફક્ત 10 જ રૂપિયા રાખવામાં આવી છે. જો કે, સવારે મોર્નિંગ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.
મોર્નિંગ અને ઈવનિંગ વોક માટે 950 મીટરનો ટ્રેક
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે AMC દ્વારા વસ્ત્રાપુર તળાવને નાગરિકોની સુવિધા માટે અદ્યતન ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. ત્યારે સવારે અને સાંજે નાગરિકોને ચાલવા માટે 950 મીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ચાલવા આવતા નાગરિકોના પાલતુ પ્રાણીઓ માટે પણ 250 ચોરસ મીટરનો પેટ ડોગ એરિયા બનાવવામાં આવ્યો છે. વસ્ત્રાપુર તળાવમાં પ્રવેશ મલેવવા માટે ત્રણ એન્ટ્રી ગેટ છે, જેમાં ફુવારા પણ મૂકવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે.
એન્ટ્રીની સાથે જ ફુવારાની શિતળતાનો અનુભવ
AMC દ્વારા 10 કરોડથી વધારેના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વસ્ત્રાપુર તળાવને "નરસિંહ મહેતા તળાવ એન્ડ ગાર્ડન" તરીકે નામ આપવામાં આવશે. જેમાં ત્રણ ગેટના નામ પણ નરસિંહ મહેતા ગેટ, કલ્યાણપૃષ્ટી હવેલી ગેટ અને શહિદ ચોક ગેટ આપવામાં આવ્યા છે. નાગરિકોને તપતા ઉનાળામાં પણ શિતળતાનો અનુભવ થાય તે માટે ત્રણેય ગેટ પર પ્રવેશતા જ ફુવારા લગવવામાં આવ્યા છે. આ સાથે તળાવમાં લીલ ન થાય અને ઑક્સીજનનું પ્રમાણ ન ઘટે તે માટે 3 સ્થળે એરેટર લગવાવમાં આવ્યા છે. સિનિયર સિટીઝનોના બેસવા માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. વસ્ત્રાપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઈનો પણ તળાવમાં નાખવામાં આવેલી છે. 5 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યો છે જેથી ખરાબ પાણીને શુદ્ધ કરીને તળાવમાં પાણી ભરી શકાય.






