સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત અને ચાહકોના ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં અરાવલીની પહાડીઓ વચ્ચે એક અત્યંત ખાનગી અને શાહી સમારોહમાં આ જોડી એકમેકના થશે. લાંબા સમયની અટકળો અને સસ્પેન્સ બાદ આ કપલે પોતાની લગ્નની વિગતો શેર કરી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સિક્યોરિટી એવી કે પરિંદુ પણ પર મારી ન શકે
રશ્મિકા અને વિજય પોતાની પ્રાઇવસીને લઈને ખૂબ જ ગંભીર છે. લગ્ન દરમિયાન કોઈ અનધિકૃત વ્યક્તિ કે મીડિયા ઘૂસી ન શકે તે માટે થ્રી-ટિયર (ત્રણ સ્તરીય) સિક્યોરિટી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ, હૈદરાબાદથી સ્પેશિયલ સિક્યોરિટી ટીમો ઉદયપુર પહોંચી ગઈ છે અને ઇન્ટરનેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની પણ મદદ લેવામાં આવી રહી છે. વેડિંગ વેન્યુની આસપાસ કડક પહેરો રાખવામાં આવ્યો છે.
‘The Wedding of VIROSH’: ફેન્સ માટે ખાસ નામ
ચાહકો આ જોડીને પ્રેમથી ‘VIROSH’ (વિજય + રશ્મિકા) કહીને બોલાવે છે. આ વાતને માન આપતા કપલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું કે, તેઓ તેમના લગ્નને પણ સત્તાવાર રીતે “The Wedding of VIROSH” તરીકે ઓળખાવશે. તેમણે ફેન્સનો આભાર માનતા લખ્યું કે, "તમે હંમેશા અમારા હૃદયનો ભાગ રહેશો." મહત્વનું છે કે આ કપલની સગાઈ 3 ઓક્ટોબર 2025ના રોજ હૈદરાબાદમાં થઈ હતી.
વેન્યુ અને મહેમાનોનું લિસ્ટ
ઉદયપુરની સુંદર અરાવલી પહાડીઓ વચ્ચે આવેલી આલીશાન હોટલ 'The Mementoes by ITC Hotels' ખાતે આ લગ્ન યોજાશે. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. રશ્મિકા અને વિજય પહેલેથી જ ઉદયપુર પહોંચી ચૂક્યા છે અને લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.
હૈદરાબાદમાં યોજાશે ગ્રાન્ડ રિસેપ્શન
ઉદયપુરમાં અત્યંત ખાનગી રીતે લગ્નગ્રંથિથી જોડાયા બાદ, રશ્મિકા અને વિજય ફિલ્મ જગતના મિત્રો અને અન્ય મહાનુભાવો માટે હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ ગ્રાન્ડ ઈવેન્ટ 4 માર્ચ 2026ના રોજ હૈદરાબાદની પ્રતિષ્ઠિત હોટલ 'તાજ ક્રિષ્ના' ખાતે યોજાશે. આ રિસેપ્શનમાં ટોલીવૂડ અને બોલીવૂડના દિગ્ગજ સિતારાઓની હાજરીથી રોનક વધી જશે, સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી પણ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. માત્ર હૈદરાબાદ જ નહીં, પરંતુ મુંબઈમાં પણ ખાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે એક અલગ રિસેપ્શન રાખવાની યોજના છે, જેથી બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સહકલાકારો આ ખુશીમાં સહભાગી થઈ શકે.
'ગીતા ગોવિંદમ' થી શરૂ થઈ હતી લવ સ્ટોરી
રશ્મિકા અને વિજયની મુલાકાત વર્ષ 2018માં સુપરહિટ ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ ના સેટ પર થઈ હતી. પડદા પર તેમની કેમિસ્ટ્રી લોકોને એટલી પસંદ આવી કે ત્યારબાદ 2019માં ‘ડિયર કોમરેડ’ માં પણ તેઓ સાથે જોવા મળ્યા. જોકે તેમણે ક્યારેય જાહેરમાં પોતાના સંબંધો સ્વીકાર્યા નહોતા, પરંતુ વારંવાર સાથે વેકેશન માણતા અને એરપોર્ટ પર સાથે જોવા મળતા ફેન્સને તેમની લવ સ્ટોરીની પાકી ખાતરી થઈ ગઈ હતી.




















