Home Entertainment Ranveer Singhs Song From Dhurandhar Created Stir Worldwide Rapper Fliparichi Sets Guinness World Record

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ના ગીતે દુનિયાભરમાં મચાવી ધૂમ : રેપર ફ્લિપરાચીએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, હવે આવશે ભારત!

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ના ગીતે દુનિયાભરમાં મચાવી ધૂમ
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 07:15 AM IST

સંગીતની કોઈ ભાષા હોતી નથી, તે વાત બહેરીનના જાણીતા મ્યુઝિશિયન અને રેપર ફ્લિપરાચીએ (Flippterachi) સાબિત કરી દીધી છે. રણવીર સિંહ સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ના સુપરહિટ ગીત 'ફાસલા' (Fa9la) એ સત્તાવાર રીતે 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ'માં (Guinness World Records) સ્થાન મેળવીને ઈતિહાસ રચી દીધો છે. આ ગીતે બિલબોર્ડ અરેબિયા ચાર્ટ્સમાં સૌથી લાંબા સમય સુધી ટોપ પર રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગીતની વૈશ્વિક સફળતા અને ભારતમાં તેની લોકપ્રિયતાને જોઈને ખુદ રેપર ફ્લિપરાચી પણ હેરાન છે અને તેણે એક ખાસ વિડીયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

એક-બે નહીં પણ ચાર ચાર્ટ્સમાં ટોપ પર રહ્યું ગીત

રેપર ફ્લિપરાચીએ જણાવ્યું કે, જ્યારે તેઓ એક ફોટોશૂટમાં વ્યસ્ત હતા ત્યારે તેમને આ મોટા સમાચાર મળ્યા હતા. આ ગીતે બિલબોર્ડ અરેબિયાના ચાર મોટા ચાર્ટ્સ— ટોપ 100 આર્ટિસ્ટ, હોટ 100 ગીતો, ટોપ 50 ખલીજી અને ટોપ 50 અરેબિક હિપ હોપમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ફ્લિપરાચીએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, "આ ગીત તે ભાષામાં (હિન્દી) આટલું લોકપ્રિય થયું જેમાં તે ગાયું જ નહોતું. બીજી સંસ્કૃતિ અને ભાષાના લોકો તરફથી આટલો પ્રેમ મળવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી."

ફિલ્મ 'ધુરંધર' ની શાન છે આ ગીત

ફિલ્મ 'ધુરંધર' માં આ ગીત એક અત્યંત મહત્વના વળાંક પર આવે છે. જ્યારે અક્ષય ખન્નાનું પાત્ર હથિયારોના સોદા માટે બલૂચ પહોંચે છે, ત્યારે આ ગીત તેની જબરદસ્ત એનર્જી અને બીટ્સ સાથે વાતાવરણને રોમાંચક બનાવી દે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ આ ગીત ઈન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ અને મીમ્સની દુનિયામાં વાયરલ થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે ફિલ્મની કમાણીમાં પણ આ ગીતનો બહુ મોટો ફાળો રહ્યો છે.

ભારતીય ફેન્સ માટે ટૂંક સમયમાં શરૂ થશે 'ઈન્ડિયા ટૂર'

ભારતીયો પાસેથી મળી રહેલા અઢળક પ્રેમથી ગદગદ થયેલા ફ્લિપરાચીએ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં ભારત આવી રહ્યા છે. તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી મળેલી માહિતી મુજબ, તેમનો ઈન્ડિયા ટૂર 14 માર્ચ 2026 થી શરૂ થશે. તેમણે ભારતીય ચાહકોને કયા શહેરમાં પરફોર્મન્સ આપવું જોઈએ તે માટે સૂચનો પણ માંગ્યા છે. રેપરના સોશિયલ મીડિયા ઈનબોક્સ અત્યારે ભારતીય ફેન્સના હજારો મેસેજથી ભરાઈ ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now