Home Sports Ranji Trophy Final Jammu And Kashmir Creates New History Against Karnataka

Ranji Trophy Final; જમ્મુ-કાશ્મીરે કર્ણાટકની સામે રચ્યો નવો ઇતિહાસ! : 67 વર્ષની આતુરતાનો આવ્યો અંત, જમ્મુ-કાશ્મીર બન્યું પહેલીવાર ચેમ્પિયન!

Ranji Trophy Final; જમ્મુ-કાશ્મીરે કર્ણાટકની સામે રચ્યો નવો ઇતિહાસ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 12:34 PM IST

Ranji Trophy Final : ભારતીય ઘરેલુ ક્રિકેટમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. વર્ષોની મહેનત અને 67 વર્ષની લાંબી રાહ બાદ જમ્મુ-કાશ્મીરની ટીમે રણજી ટ્રોફી 2025-26 નો ખિતાબ જીતીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખી દીધું છે. હુબલીના મેદાન પર રમાયેલી ફાઇનલ મેચમાં 8 વખતની ચેમ્પિયન કર્ણાટક જેવી મજબૂત ટીમને પછાડીને પારસ ડોગરાની આગેવાની હેઠળની J&K ટીમે પ્રથમ વખત આ ટ્રોફી પર કબજો કર્યો છે.

ઐતિહાસિક જીત અને ઉજવણી

ફાઇનલ મેચના પાંચમા દિવસે જ્યારે મેચ ડ્રો જાહેર કરવામાં આવી, ત્યારે જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ મેદાનમાં દોડી આવ્યા હતા. ભલે મેચ ડ્રો રહી, પણ પ્રથમ ઇનિંગમાં મળેલી વિશાળ લીડના આધારે J&K ને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ક્ષણના સાક્ષી બનવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને BCCI પ્રમુખ મિથુન મન્હાસ પણ સ્ટેન્ડમાં હાજર રહ્યા હતા.

J&K નો સ્કોર

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જમ્મુ-કાશ્મીરે સ્કોરબોર્ડ પર 584 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. જેમાં શુભમ પુંડિરની શાનદાર સેન્ચુરી સાથે યાવર હસન (88), સાહિલ લોત્રા (72), કન્હૈયા વાધવન (70), અબ્દુલ સમદ (61) અને કેપ્ટન પારસ ડોગરા (70) નું મહત્વપૂર્ણ યોગદાન હતી. કર્ણાટક તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 5 વિકેટ ઝડપી હતી, પરંતુ તેઓ J&K ના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

બોલિંગમાં ઓકિબ નબીનો તરખાટ

જવાબમાં કર્ણાટકની ટીમમાં કે. એલ રાહુલ, મયંક અગ્રવાલ અને દેવદત્ત પડિકલ જેવા સ્ટાર ખેલાડીઓ હોવા છતાં તેઓ માત્ર 293 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીએ ધૂમ મચાવતા 54 રનમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ આકિબ આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો છે. કર્ણાટક માટે માત્ર મયંક અગ્રવાલ (160) લડત આપી શક્યો હતો.

બીજી ઇનિંગ અને અંતિમ નિર્ણય

પ્રથમ ઇનિંગમાં 291 રનની મોટી લીડ મેળવ્યા બાદ J&K એ બીજી ઇનિંગમાં પણ શાનદાર બેટિંગ કરી. ઓપનર કમરાન ઇકબાલ અને સાહિલ લોત્રાએ નોટઆઉટ સેન્ચુરી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. J&K એ 342/4 ના સ્કોર પર ઇનિંગ ડિક્લેર કરી કર્ણાટક સામે 634 રનનો અશક્ય લક્ષ્યાંક રાખ્યો હતો. અંતે બંને કેપ્ટનોની સંમતિથી મેચ ડ્રો જાહેર કરાઈ અને નિયમ મુજબ પ્રથમ ઇનિંગની લીડના આધારે J&K ચેમ્પિયન બન્યું.

મેચ અને ટુર્નામેન્ટના હીરો

જમ્મુ અને કાશ્મીરની આ ઐતિહાસિક જીતમાં વ્યક્તિગત પરફોર્મન્સ પણ જબરદસ્ત રહ્યું હતું. ટીમે પ્રથમ ઇનિંગમાં 584 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં શુભમ પુંડિર (121 રન) એ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. આ શાનદાર બેટિંગ પ્રદર્શન બદલ શુભમ પુંડિરને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો. બોલિંગમાં આકિબ નબીએ ધમાલ મચાવતા કર્ણાટકની પ્રથમ ઇનિંગમાં 54 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ આખી ટુર્નામેન્ટમાં તેમના જબરદસ્ત પ્રદર્શનને કારણે આકિબ નબીને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' નો એવોર્ડ મળ્યો હતો.

અનુભવ vs જુસ્સો

આ જીત J&K માટે એટલે ખાસ છે કારણ કે, કર્ણાટકની ટીમમાં 5 ઇન્ટરનેશનલ ખેલાડીઓ હતા. ભારત માટે રમનારા પાંચ ખેલાડીઓ કે. એલ રાહુલ, મયંક અગ્રવાલ, કરુણ નાયર, દેવદત્ત પડિકલ અને પ્રસિદ્ધ કૃષ્ણા કર્ણાટકની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હતા. જ્યારે જમ્મુ-કાશ્મીરની ટીમમાં એક પણ ખેલાડીને ઇન્ટરનેશનલ ક્રિકેટનો અનુભવ ન હતો. છતાં, ટીમ વર્ક અને આત્મવિશ્વાસના જોરે J&K એ સાબિત કરી દીધું કે ક્રિકેટ મેદાન પર નામો નહીં પણ પરફોર્મન્સ બોલે છે.

જય શાહ અને BCCI પ્રમુખે પાઠવ્યા અભિનંદન

જમ્મુ-કાશ્મીરની આ અદભૂત સફળતા બાદ ICC ના ચેરમેન જય શાહએ ટ્વીટ કરીને ટીમને શુભકામનાઓ પાઠવી છે. તેમણે આ જીતને હિંમત અને જીજ્ઞાસાની એક અદ્ભુત વાર્તા ગણાવી હતી. જય શાહે જણાવ્યું કે, "ખેલાડીઓ આ પ્રશંસાના હકદાર છે, પરંતુ પડદા પાછળ મહેનત કરનાર કોચિંગ સ્ટાફ અને વહીવટકર્તાઓના યોગદાનને પણ ભૂલવું જોઈએ નહીં. મને ખાતરી છે કે, આ જીત પ્રદેશની નવી પેઢીને બેટ અને બોલ ઉપાડવા માટે પ્રેરિત કરશે".

બીજી તરફ, BCCI પ્રમુખ મિથુન મન્હાસએ જય શાહનો આભાર માનતા કહ્યું કે, "આ બધું 2021 માં શરૂ થયું હતું, BCCI નો ખાસ આભાર, ખાસ કરીને જય ભાઈ (જય શાહ) - તેઓ જમ્મુ આવ્યા, અમારી સ્થિતિ જોઈ અને પછી પાછળ વળીને જોયું નહીં".

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now