અયોધ્યાના રામ મંદિર દાન વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે પ્રથમ વખત ખુલ્લું પત્ર જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે દાનમાં કથિત ગેરરીતિની ઘટનાથી તેઓ આઘાત, દુઃખ અને શરમની લાગણી અનુભવી રહ્યા છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે દાનની ગણતરી અથવા તેની પ્રક્રિયામાં તેમની કોઈ સીધી ભૂમિકા નહોતી.
ગોવિંદ દેવ ગિરીએ પત્રમાં જણાવ્યું કે મંદિરમાં મળતા દાનની ગણતરી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) સ્થાનિક ટ્રસ્ટીઓ અને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના સહયોગથી તૈયાર કરવામાં આવી હતી અને તેમને આ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી તાજેતરમાં જ આપવામાં આવી હતી. તેમણે દાનમાં કથિત ગેરરીતિ અંગે નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે અને કહ્યું કે જે કોઈ દોષિત હશે તેને કાયદા મુજબ કડક સજા મળવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે દાનની ગણતરી અને હિસાબી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવી જરૂરી છે. દરેક દાનનો યોગ્ય હિસાબ રાખવામાં આવે અને દેખરેખ વધુ મજબૂત બને તે માટે નિષ્ણાતોની સલાહથી નવી વ્યવસ્થા ઉભી કરવાની પણ તેમણે અપીલ કરી.
આ દરમિયાન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક 6 જુલાઈએ યોજાવાની છે. બેઠકમાં કથિત દાન ગેરરીતિની તપાસ, SITના પ્રાથમિક તારણો તેમજ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.





