Home National Vb G Ram G First Installment 25863 Crore Rural Development

ગામડાઓના વિકાસને મળશે નવી ગતિ : બી-જી-રામ-જી' યોજના હેઠળ કેન્દ્રે ₹25,863 કરોડની પ્રથમ હપ્તાની રકમ કરી જારી

VB-G-RAM-G, Rural Development
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2026, 03:57 PM IST

કેન્દ્ર સરકારે ગ્રામિણ ભારતને વધુ આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 'વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે વીબી-જી-રામ-જી (VB-G-RAM-G) યોજના હેઠળ પ્રથમ હપ્તા તરીકે ₹25,863 કરોડની રકમ રાજ્યોને ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ યોજનાથી ગામડાઓમાં સમયસર રોજગાર, ઝડપી મજૂરી ચુકવણી અને પારદર્શક વિકાસકાર્યોને પ્રોત્સાહન મળશે.

કેન્દ્રના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ રાજ્યોના ગ્રામ વિકાસ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે નવી યોજના હેઠળ રાજ્યોને પ્રથમ હપ્તાની રકમ જારી કરવામાં આવી છે, જેથી ગ્રામિણ વિસ્તારોમાં રોજગાર સર્જનના કામમાં કોઈ અડચણ ન આવે અને મજૂરોને સમયસર તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રકમનો મુખ્ય હેતુ રાજ્યો પાસે પૂરતા નાણાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે, જેથી કામદારોને 15 દિવસની અંદર મજૂરીનું ચૂકવણું થઈ શકે. સાથે જ રાજ્યોને પણ પોતાના હિસ્સાની રકમ સમયસર ફાળવવાની અપીલ કરવામાં આવી છે.

નવી યોજના હેઠળ ગ્રામિણ મજૂરો માટે વધુ એક રાહતની જાહેરાત કરવામાં આવી છે. મજૂરી દરોમાં સરેરાશ 10 ટકા વધારો કરવામાં આવ્યો છે. પરિણામે હવે દેશના કોઈપણ રાજ્યમાં દૈનિક મજૂરી ₹300થી ઓછી નહીં હોય, જે ગ્રામિણ પરિવારોની આવક વધારવામાં મદદરૂપ બનશે.

મનરેગાની જગ્યાએ નવી યોજના, દેશભરમાં એકસાથે અમલ

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર અગાઉ મનરેગા (MGNREGA) યોજના સમગ્ર દેશમાં અમલમાં આવવામાં લગભગ ત્રણ વર્ષ લાગ્યા હતા, જ્યારે નવી વીબી-જી-રામ-જી યોજના 1 જુલાઈથી સમગ્ર દેશમાં એક જ દિવસે અમલમાં મૂકવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ દેશવ્યાપી એકસાથે અમલીકરણ ગ્રામ વિકાસ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

સરકારે જણાવ્યું કે આંધ્ર પ્રદેશ, કેરળ અને રાજસ્થાને પ્રથમ જ દિવસે મોટા પાયે રોજગાર ઉપલબ્ધ કરાવી સારો પ્રતિસાદ આપ્યો છે. બીજી તરફ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોને કામગીરીમાં વધુ ઝડપ લાવવા અને જરૂરી બજેટની જોગવાઈ કરવાની અપીલ કરવામાં આવી છે.

ટેક્નોલોજીથી પારદર્શિતા અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ યોજનામાં ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નહીં હોય. કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન અને જિયો-ટેગિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવશે.

સરકારનો હેતુ માત્ર રોજગાર પૂરું પાડવાનો નથી, પરંતુ ગામડાઓમાં લાંબા ગાળાના ઉપયોગી અને ગુણવત્તાસભર જાહેર સંપત્તિઓનું નિર્માણ પણ કરવાનો છે. રાજ્યોને સતત માર્ગદર્શન મળી રહે તે માટે સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓને પ્રાદેશિક અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે યોજનાના અસરકારક અમલીકરણમાં સહયોગ આપશે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે વીબી-જી-રામ-જી યોજના ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સમયસર મજૂરી, વધારેલું વેતન, ટેક્નોલોજી આધારિત પારદર્શિતા અને વિકાસલક્ષી કામો દ્વારા ગામડાઓમાં રોજગારની નવી તકો ઊભી થશે અને ગ્રામિણ જીવનધોરણમાં સુધારો આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now