Ram Mandir Donation Theft Case: અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસની તપાસ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે. આ કેસમાં પ્રથમ વખત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયની લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન પોલીસે મંદિરના દાન સંચાલન, વહીવટી નિર્ણયો, કર્મચારીઓની જવાબદારી, સુરક્ષા વ્યવસ્થા અને ફરિયાદોના નિકાલ સહિત અનેક મુદ્દાઓ પર સવાલો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંપત રાયે દાન ચોરીની ઘટનામાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે ઘટનાની જાણ થતાં જ તેઓ સક્રિય બન્યા હતા અને શંકાસ્પદ લોકોને પકડાવી તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને તપાસ એજન્સીઓ આર્થિક લેવડદેવડ તેમજ સંપત્તિઓની પણ તપાસ કરી રહી છે.
'ટિન્નૂ યાદવે ખોટું કર્યું, આવી અપેક્ષા નહોતી'
સૂત્રો અનુસાર પૂછપરછ દરમિયાન ચંપત રાયે જણાવ્યું કે ટિન્નૂ યાદવ લાંબા સમયથી ટ્રસ્ટ સાથે જોડાયેલો હતો અને તેના પર વિશ્વાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેણે ખોટું કર્યું અને તેની પાસેથી આવી હરકતની અપેક્ષા નહોતી. ચંપત રાયે સ્વીકાર્યું કે, દાનમાં કોઈ ગેરરીતિ ન થાય તેની દેખરેખ રાખવાની જવાબદારી તેમની હતી, પરંતુ દાન ચોરીમાં તેમની કોઈ સીધી ભૂમિકા નહોતી. તેમણે પોલીસને જણાવ્યું કે માહિતી મળતા જ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા અને સંબંધિત લોકો સામે FIR પણ નોંધાવવામાં આવી હતી.
કર્મચારીઓની ભરતી અંગે પણ પૂછાયા સવાલ
પોલીસે પૂછપરછ દરમિયાન ટ્રસ્ટમાં કર્મચારીઓની નિમણૂક અને ઓળખાણના આધારે લોકોને કામ આપવાના મુદ્દે પણ પ્રશ્નો પૂછ્યા હતા. ચંપત રાયે જવાબમાં જણાવ્યું કે, જરૂરિયાતમંદ લોકોને રોજગાર આપવાના હેતુથી કામ આપવામાં આવતું હતું. તેમણે કહ્યું કે, કર્મચારીઓની પસંદગીમાં માત્ર તેમની જ નહીં પરંતુ ટ્રસ્ટના અન્ય સભ્યોની પણ ભૂમિકા હતી. પૂછપરછ દરમિયાન અનિલ મિશ્રા અને ગોપાલ રાવના નામનો પણ ઉલ્લેખ થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
SIT તપાસમાં MOUના પાલન અંગે ઉઠ્યા સવાલ
દાનપાત્રોમાં આવતી રકમની ગણતરી વધુ પારદર્શક અને સુરક્ષિત બને તે માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને ભારતીય સ્ટેટ બેંક (SBI) વચ્ચે એક વિશિષ્ટ પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી 2025માં થયેલા સમજૂતી કરાર (MOU)માં દાનપાત્ર ખોલતી વખતે ટ્રસ્ટ અને બેંકના અધિકારીઓની સંયુક્ત હાજરી ફરજિયાત રાખવામાં આવી હતી. ગણતરી કરતા કર્મચારીઓ માટે ડ્રેસ કોડથી લઈને
અધિકારીઓના સમયાંતરે રોટેશન સુધીની જોગવાઈઓ પણ સામેલ હતી.
પરંતુ SITની તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, MOUમાં નક્કી કરાયેલા કેટલાક નિયમોનું નિયમિત પાલન કરવામાં આવ્યું નહોતું. કેટલાક કર્મચારીઓ લાંબા સમય સુધી એક જ જવાબદારી સંભાળતા રહ્યા હતા, જ્યારે દાનની ગણતરી અને સુરક્ષા પ્રક્રિયામાં પણ ખામીઓ જોવા મળી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: અયોધ્યાના વકીલોનો મોટો નિર્ણય : રામ મંદિર ચઢાવા ચોરી કેસના આરોપીઓની કોઈ વકીલ નહીં કરે વકીલાત
સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ પર પણ સવાલ
તપાસ એજન્સીઓ હાલ દાનપાત્રોમાંથી મળતી રકમના સંચાલન સાથે જોડાયેલા દૈનિક અહેવાલો, જમા પત્રકો અને રજિસ્ટરોની ચકાસણી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં દાન ચોરીની ઘટના સામે આવવાથી દેખરેખ વ્યવસ્થાની અસરકારકતા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. આ સંદર્ભમાં સંબંધિત અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીઓની પણ તપાસ ચાલી રહી છે.
આરોપીઓની સંપત્તિઓની પણ થશે તપાસ
દાન ચોરી કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓની આર્થિક પ્રવૃત્તિઓ હવે તપાસ એજન્સીઓના કેન્દ્રમાં આવી ગઈ છે. પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં આરોપીઓએ ખરીદેલી ચાલ અને અચલ મિલકતોની વિગતો માગી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કેટલાક આરોપીઓએ જમીનો ખરીદી છે, જ્યારે કેટલાકે રહેણાંક મકાનોનું નિર્માણ પણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓ હવે તેમની આવક અને ખર્ચ વચ્ચે તુલના કરીને સંપત્તિનું મૂલ્યાંકન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી લવકુશે પોતાની પત્નીના નામે જમીન ખરીદી હતી અને તેના પર ત્રણ માળનું મકાન પણ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેની સાથે અન્ય આરોપીઓની સંપત્તિઓ અને બેંકિંગ વ્યવહારોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
અંતિમ રિપોર્ટ પર સૌની નજર
રામ મંદિર દાન ચોરી કેસ હવે માત્ર નાણાકીય ગેરરીતિ સુધી મર્યાદિત રહ્યો નથી, પરંતુ ટ્રસ્ટની આંતરિક વ્યવસ્થા, દેખરેખ તંત્ર અને દાન વ્યવસ્થાની પારદર્શિતાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. હવે સૌની નજર SITના અંતિમ અહેવાલ પર છે, જેમાં જવાબદારી નક્કી થવાની સાથે આગળની કાનૂની કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ દિશા સ્પષ્ટ થઈ શકે છે.





