Home Gujarat Rajkot Bhagvatipara Holika Dahan Clash Police Action

રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન સમયે બે જૂથો વચ્ચે તકરાર : પોલીસે ૩ યુવકોની અટકાયત કરી સ્થિતિ પર મેળવ્યો કાબૂ

રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન સમયે બે જૂથો વચ્ચે તકરાર
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 09:16 PM IST

રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં હોળીના પર્વની ઉજવણી દરમિયાન સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. હોલિકા દહન ચાલી રહ્યું હતું તે સમયે બે અલગ અલગ સમુદાયના યુવાનો સામસામે આવી જતાં વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે સ્થાનિક રહીશોની સમયસૂચકતા અને પોલીસના ત્વરિત હસ્તક્ષેપને કારણે મોટી બબાલ ટળી હતી અને મામલો વધુ બિચકે તે પહેલાં જ થાળે પાડવામાં આવ્યો હતો.

ઘટનાની વિગતો મુજબ ભગવતીપરામાં જ્યારે હોલિકા દહનનો કાર્યક્રમ પ્રગતિ પર હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય ધર્મના કેટલાક યુવકો અને ત્યાં હાજર હિન્દુ યુવાનો વચ્ચે રસ્તો આપવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષના ટોળાઓ એકઠા થઈ જતાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આ અફરાતફરી દરમિયાન બંને સમુદાયના વડીલો અને જવાબદાર નાગરિકોએ તુરંત વચ્ચે પડીને ઉશ્કેરાયેલા યુવાનોને શાંત પાડ્યા હતા અને તેમને છૂટા પાડ્યા હતા.

આ સમગ્ર વિવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતર્ક બન્યા હતા. DCP હેતલ પટેલ સહિતનો વિશાળ પોલીસ કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની હાજરીને પગલે મામલો સંપૂર્ણ શાંત પડ્યો હતો. DCP હેતલ પટેલે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે માર્ગ પરથી પસાર થવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે સંઘર્ષ થયો હતો. પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને અત્યાર સુધીમાં ૩ શખ્સોને રાઉન્ડઅપ કરીને તેમની અટકાયત કરી લીધી છે.

હાલમાં ભગવતીપરા અને તેની આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને અંકુશ હેઠળ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now