Home Business Rajesh Exports Sebi Action Fake Revenue Allegation Lic Investment

15.15 લાખ કરોડનો ગોટાળો : SEBI એ Rajesh Exports Scam વિશે કર્યો મોટો ખુલાસો, કંપનીનાં શેરમાં લોઅર સર્કિટ

Rajesh Exports Scam
Published by: Nirali Gohil
Last Updated: Jun 04, 2026, 12:23 PM IST

Rajesh Exports Scam: દેશની અગ્રણી જ્વેલરી અને ગોલ્ડ રિફાઇનિંગ કંપનીઓમાં સામેલ રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ ગંભીર વિવાદમાં સપડાઈ છે. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)એ કંપની પર પાંચ વર્ષ દરમિયાન આશરે રૂ.15.15 લાખ કરોડની આવક (Revenue) ખોટી રીતે દર્શાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ખુલાસા બાદ કંપનીના શેરમાં ભારે વેચવાલી જોવા મળી અને ગુરુવારે શેર 5 ટકા ઘટીને લોઅર સર્કિટ પર પહોંચ્યો. SEBIની કાર્યવાહીએ માત્ર કંપની જ નહીં પરંતુ તેમાં રોકાણ કરનારા મોટા સંસ્થાગત રોકાણકારોને પણ ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. ખાસ કરીને દેશની સૌથી મોટી વીમા કંપની LIC (લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) પાસે માર્ચ 2026 સુધી રાજેશ એક્સપોર્ટ્સમાં 10.80 ટકા હિસ્સેદારી હોવાનું સામે આવતા રોકાણકારોમાં ચિંતા વધી છે.

LIC અને વિદેશી રોકાણકારોનું મોટું એક્સપોઝર

કંપનીના તાજેતરના શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર LIC રાજેશ એક્સપોર્ટ્સના સૌથી મોટા સંસ્થાગત રોકાણકારોમાં સામેલ છે. SEBIના આરોપો બાદ હવે બજારમાં ચર્ચા છે કે કંપની સામેના આક્ષેપોની અસર LICના રોકાણ પર કેટલી પડશે. આંકડાઓ દર્શાવે છે કે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીમાં પોતાની હિસ્સેદારી ઘટાડતા રહ્યા છે. માર્ચ 2023માં FII પાસે 17.6 ટકા હિસ્સો હતો, જે માર્ચ 2026 સુધી ઘટીને આશરે 14.3 ટકા રહ્યો છે. વિદેશી રોકાણકારોમાં બ્રિજ ઇન્ડિયા ફંડ પાસે 8.46 ટકા અને Schwab Fundamental Emerging Markets Equity ETF પાસે 2.70 ટકા હિસ્સેદારી નોંધાઈ હતી. ઉપરાંત ધીરજલાલ જેરામભાઈ ઢાકણ પાસે 4.81 ટકા હિસ્સો હતો, જ્યારે પ્રમોટર ગ્રૂપ પાસે કંપનીમાં 54.55 ટકા નિયંત્રણ છે.

SEBIનો સૌથી ગંભીર આરોપ શું છે?

SEBI દ્વારા બહાર પાડવામાં આવેલા વચગાળાના આદેશમાં જણાવાયું છે કે રાજેશ એક્સપોર્ટ્સે નાણાકીય વર્ષ 2021થી 2025 દરમિયાન પોતાની વિદેશી સહાયક કંપનીઓ મારફતે દર્શાવેલી આવકનો મોટો હિસ્સો વાસ્તવિકતા સાથે મેળ ખાતો નથી. નિયામક સંસ્થાના જણાવ્યા મુજબ કંપનીના કુલ સંકલિત રેવન્યુમાંથી 97 થી 99 ટકા આવક તેની વિદેશી સહાયક કંપનીઓ પાસેથી આવતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેમાં ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત Valcambi SAનું નામ મુખ્ય છે. જોકે SEBIની તપાસમાં સામે આવ્યું કે કંપનીએ પોતાની સહાયક કંપનીઓના નાણાકીય હિસાબો પૂરતા પ્રમાણમાં જાહેર કર્યા નહોતા. વધુમાં, જે Valcambi SAને ગ્રૂપની મુખ્ય ઓપરેટિંગ કંપની તરીકે રજૂ કરવામાં આવી હતી, તેના નાણાકીય દસ્તાવેજોમાં નોંધપાત્ર આવક દેખાતી નથી.

આ પણ વાંચો: રૂપિયો મજબૂત કરવા મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક?: સરકારી બોન્ડ પર વિદેશી રોકાણકારોને કરમુક્તિ, ભારતમાં આવશે હજારો કરોડનું ભંડોળ?

રૂ.15.15 લાખ કરોડના રેવન્યુ અંગે સવાલ

SEBIના આરોપ અનુસાર કંપનીએ પોતાની સહાયક કંપનીઓ દ્વારા દર્શાવવામાં આવેલા કુલ રેવન્યુના આશરે 99.80 ટકા એટલે કે લગભગ રૂ.15.15 લાખ કરોડના વ્યવહારો અંગે ખોટી અથવા ભ્રામક માહિતી રજૂ કરી હોઈ શકે છે. આ સાથે SEBIએ Affluence Shares and Stocks Private Limited સાથે થયેલા વ્યવહારો અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. નિયમનકારના દસ્તાવેજો મુજબ રાજેશ એક્સપોર્ટ્સે આ કંપની સાથે રૂ.11,487 કરોડના વેચાણ અને રૂ.11,488 કરોડની ખરીદી દર્શાવી હતી, જેની તપાસ ચાલી રહી છે.

પ્રમોટર રાજેશ મહેતા પર પણ પ્રતિબંધ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SEBIએ રાજેશ એક્સપોર્ટ્સ અને તેના પ્રમોટર રાજેશ મહેતાને આગામી આદેશ સુધી સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. નિયમનકારની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપની અને પ્રમોટર કોઈપણ પ્રકારની બજાર સંબંધિત પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. નોંધનીય છે કે, આ સમગ્ર મામલે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

શેરમાં ભારે દબાણ, રોકાણકારો સતર્ક

SEBIના આક્ષેપો બાદ રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં ભારે દબાણ જોવા મળ્યું છે. કંપનીનો શેર શરૂઆતના કારોબારમાં 5 ટકા ઘટીને રૂ.104.65 પર પહોંચી ગયો હતો. છેલ્લા છ મહિનામાં જ શેરના ભાવમાં આશરે 44.63 ટકા ઘટાડો નોંધાયો છે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે, SEBIની તપાસના પરિણામો અને કંપનીની પ્રતિક્રિયા આગામી દિવસોમાં શેરના ભાવ પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે. ખાસ કરીને LIC સહિતના મોટા સંસ્થાગત રોકાણકારો માટે આ કેસ નજીકથી જોવાનો વિષય બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now