Home International Rajendra Lahiri Death Anniversary Kakori Kand History

આજે 17 ડિસેમ્બર : સ્વાતંત્ર્ય સેનાની રાજેન્દ્ર લાહિડી શહીદ દિન

આજે 17 ડિસેમ્બર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 11:20 AM IST

આજે તારીખ 17 ડિસેમ્બર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ભાવુક દિવસ તરીકે અંકિત છે. આજના દિવસે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર બહાદુર ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડી શહીદ થયા હતા. બ્રિટિશ હકુમતે આ નીડર સ્વાતંત્ર્ય સેનાનીના ડરથી ગભરાઈને તેમને નક્કી કરવામાં આવેલી તારીખના બે દિવસ અગાઉ જ ફાંસીના માચડે લટકાવી દીધા હતા. રાજેન્દ્ર લહેરી કાકોરી કાંડના મુખ્ય નાયકોમાંના એક હતા જેમણે અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી હતી.

રાજેન્દ્ર લાહિડીનો જન્મ વર્ષ 1901માં હાલના બાંગ્લાદેશના પબના જિલ્લામાં થયો હતો. તેમના પિતા ક્ષિતિ મોહન લાહિડી અને માતા બસંત કુમારી પાસેથી તેમને દેશભક્તિના સંસ્કાર વારસામાં મળ્યા હતા. યુવાનીના દિવસોમાં જ તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન સાથે જોડાયા હતા અને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતને આઝાદ કરાવવાનું બીડું ઝડપ્યું હતું. કાકોરી ટ્રેન લૂંટની ઘટનામાં તેમની સક્રિય ભૂમિકા હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનો હતો.

કાકોરી કાંડ બાદ અંગ્રેજ સરકારે ક્રાંતિકારીઓની ધરપકડનો દોર શરૂ કર્યો હતો જેમાં રાજેન્દ્ર લાહિડી પણ પકડાઈ ગયા હતા. અદાલતમાં કેસ ચાલ્યા બાદ તેમને રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન અને રોશન સિંહ સાથે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. રાજેન્દ્ર લાહિડીને 19 ડિસેમ્બરના રોજ ફાંસી આપવાની હતી પરંતુ અંગ્રેજોને ડર હતો કે ક્રાંતિકારીઓ જેલ તોડીને તેમને છોડાવી જશે. આ ડરને કારણે 17 ડિસેમ્બર 1927ના રોજ ગોંડા જેલમાં તેમને નિર્ધારિત સમય કરતા વહેલા ફાંસી આપી દેવામાં આવી હતી.

ફાંસીના દિવસે જ્યારે જેલર તેમને લેવા આવ્યો ત્યારે રાજેન્દ્ર લાહિડી કસરત કરી રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે તો અંતિમ સમય છે ત્યારે કસરત કેમ? ત્યારે આ વીર સપૂતે જવાબ આપ્યો હતો કે હું આવતા જન્મમાં વધુ મજબૂત શરીર સાથે ફરીથી માતૃભૂમિની સેવા કરવા માંગુ છું. તેમનું આ વાક્ય અને બલિદાન આજે પણ યુવાનોમાં દેશભક્તિનો જુવાળ જગાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now